
નવી દિલ્હીના રહેવાસીઓએ આ વર્ષની દિવાળી પણ ફટાકડાની ધામધૂમ વગર જ ઉજવવી પડશે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જાહેરાત કરી છે કે તમામ પ્રકારના ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ રહેશે. તેમણે જણાવ્યું કે દિલ્હી પોલીસને ફટાકડાનું લાઇસન્સ ન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હી પોલીસને પણ ફટાકડાનું લાયસન્સ ન બહાર ન પાડવા તેમજ NCR સહિતના રાજ્યોને પણ ફટાકડાનું લાયસન્સ ન આપવા માટે અપીલ કરી છે. આ વખતે દિવાળીની ઉજવણી ધાર્મિક આસ્થાઓ સાથે કરવામાં આવે તેમજ જીવન પણ બચાવવામાં આવે. ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હીવાળા દિપ પ્રગટાવીને દિવાળી ઉજવતા હોય છે. જીંદગી બચાવવા માટે સામૂહિક પ્રયાસ જરૂરી છે. દિવડા પ્રગટાવીશું અને દિવાળી ઉજવીશું. આ ઉપરાંત તેમણે કહ્યું કે દિલ્હીના પ્રદૂષણ માટે હોટ સ્પોટ ગણાતા સ્થળો પર મોનિટરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને વિંટર એક્શન પ્લાન પણ લાગુ કરવામાં આવશે.
ઓક્ટોબરથી જ દિલ્હીની હવા ખરાબ થવા લાગે છે. જેના 2 કારણો છે. ઓક્ટોબર મહિનાથી જ ઋતુ બદલાવા લાગે છે. તાપમાન ઘટી જાય છે અને હવાની ઝડપ પર પણ તેનો અસર પડે છે. ઉપરાંત આ ઋતુમાં દિલ્હીની આસપાસના વિસ્તારોમાં ખેડૂતો મોટી સંખ્યામાં પરાળી બાળતા હોય છે. એવામાં ફટાકડાનું પ્રદૂષણ પણ જો હવામાં ભળે તો રાજધાનીની હવા ખૂબ જ ઝેરી થઇ જાય છે. દિલ્હીમાં સદર બજાર, ચાંદની ચોક, કોટલા, રોહિણી સહિત વિસ્તારોમાં ફટાકડાના બજારો આવેલા છે. ફટાકડા પર પ્રતિબંધને કારણે આ લોકોની રોજગારી પર પણ અસર પડે છે.