
પટણાઃ લખીસરાયમાં પટણા-ઝારખંડ પેસેન્જર ટ્રેનના કોચ (Fire in Passenger Train)માં અચાનક આગ લાગ્યા પછી સ્ટેશનના પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આગને નિયંત્રણમાં પ્રયાસમાં પ્રશાસનના કર્મચારીઓ જોતરાઈ ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉપલબ્ધ માહિતી અનુસાર કિઉલ જંક્શન ખાતેની ઈએમયુ ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થયા પછી પ્રવાસીઓ દોડોદાડ અને બૂમાબૂમ કરી મૂકી હતી. દરેક લોકો ટ્રેનમાંથી જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા. આગ લાગ્યાના બનાવમાં અમુક લોકોને ઈજા પહોંચી હોવાના સમાચાર પણ છે. આગની જાણ થયા પછી ફાયર બ્રિગેડ પ્રશાસન દ્વારા આગને બુજાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
લખીસરાયના કિઉલ જંક્શન (પ્લેટફોર્મ નંબર ચાર) પર ડાઉન લાઈન (ટ્રેન નંબર 13028)માં કલાકો સુધી રોકવામાં આવેલી ઈએમયુ ટ્રેનના કોચમાં સાંજના 5.40 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગમાં કોચ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના મુદ્દે ટ્રેનના લોકો પાઈલટ અવિનાશ કુમારે કહ્યું કે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગ્યા પછી ટ્રેનને તાત્કાલિક રોકી લેવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેનમાંથી પ્રવાસીઓને ઉતારી લેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને નિયંત્રણમાં લીધી હતી.
આ મુદ્દે દાનાપુર ડિવિઝનના અધિકારીએ કહ્યું હતું કે આગ લાગ્યા મુદ્દે તપાસ ધરવાનો આદેશ આપ્યો છે. આગ લાગ્યા પછી તુરંત ટ્રેનને રોકી લેવામાં સફળતા મળી હતી. અમુક પ્રવાસીઓ ધીમી પડેલી ટ્રેનમાંથી જમ્પ મારીને બહાર નીકળી ગયા હતા. આરપીએફના અધિકારીએ કહ્યું હતું કે ટ્રેનની બેટરી પેનલમાં શોર્ટ-સક્રિટને કારણે આગ લાગી હોવાનું શક્ય છે. આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.