નેશનલ

દિવાળીની ખુશીઓને લાગ્યું ગ્રહણ, ફટાકડા માર્કેટમાં ગોદામમાં લાગી ભીષણ આગ

મથુરાઃ દેશભરમાં આજે જ્યારે દિવાળીની ધૂમ મચી છે ત્યારે ઉત્તર પ્રદેશના મથુરાથી આગ લાગવાના સમાચાર આવ્યા છે. બીજી તરફ ગાઝિયાબાદના નંદગ્રામ પોલીસ સ્ટેશનના દુર્ગા મંદિર પાસે ભંગાર અને લાકડાના ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

મથુરાના રૈયા નગરના ફટાકડા માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં દોઢ ડઝન દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગમાં અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
રવિવારે લોકો દિવાળીની ખુશીમાં ડૂબી ગયા હતા. દરેક ઘરમાં ડેકોરેશનનું કામ ચાલી રહ્યું હતું. લોકો ખરીદી માટે બજારમાં ઉમટી પડ્યા હતા. ફટાકડા બજારમાં પણ ખરીદી વધી રહી હતી. બપોરે 2 વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો ફટાકડા ખરીદવા માટે અહીં પહોંચી ગયા હતા. અચાનક બપોરે 2 વાગ્યાના અરસામાં ફટાકડાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગ અન્ય દુકાનોમાં પણ પહોંચી ગઈ હતી. વિસ્ફોટોના અવાજથી શહેર ગૂંજી ઉઠ્યું હતું. લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર માર્કેટમાં આગ લાગી હોવાથી લોકો આગની લપેટમાં આવી ગયા હતા. ઘણા લોકો મુશ્કેલીથી આગમાંથી બહાર આવ્યા હતા, પરંતુ તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા. આગમાં લગભગ દોઢ ડઝન લોકો દાઝી ગયા હતા. અડધા કલાકમાં આખું ફટાકડા બજાર બળી ગયું હતું. ચારેબાજુ એક ભયાનક દ્રશ્ય દેખાતું હતું. એમ્બ્યુલન્સ કે આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે સમયસર પહોંચી શકી નહોતી, તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. ફટાકડા માર્કેટમાં આગ લાગ્યાના એક કલાક બાદ ફાયર બ્રિગેડ આગને કાબુમાં લેવા માટે પહોંચી હતી. પરંતુ, ત્યાં સુધીમાં બધું નાશ પામ્યું હતું. ફટાકડા માર્કેટમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. માર્કેટમાં કુલ 22 દુકાનો ઉભી કરવામાં આવી હતી, પરંતુ અહીં આગ ઓલવવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી. આગમાં લગભગ 15 લોકો દાઝી ગયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઉપરાંત ગાઝિયાબાદમાં ભંગારના ગોદામમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને આગ અંગે જાણ કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની 5 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના ઘોડા પોલીસ સ્ટેશન વિસ્તારની ખોડા કોલોનીમાં બની હતી. આગ કેવી રીતે લાગી અને આગને કારણે જાનમાલ અને મિલકતને કેટલું નુક્સાન થયું તેનો અંદાજ હજી સુધી જાણવા મળ્યો નથી. પોલીસ તપાસ ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button