દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ | મુંબઈ સમાચાર

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લાગી આગ

નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે. હવે એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન વિમાનમાં આગ લાગી હતી. હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા પછી તરત જ એર ઇન્ડિયાના વિમાનના સહાયક પાવર યુનિટ (APU)માં આગ લાગી ગઈ હતી. બધા મુસાફરો અને ક્રૂ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

એર ઈન્ડિયા દ્વારા આ ઘટનાની વધુ માહિતી આપવામાં આવી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજે હોંગકોંગથી દિલ્હી આવેલી ફ્લાઇટ નંબર AI 315માં લેન્ડિંગ અને ગેટ પર પાર્કિંગ કર્યા પછી તરત જ સહાયક પાવર યુનિટ (APU)માં આગ લાગી ગઈ હતી. મુસાફરો ઉતરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. જોકે, આગ લાગ્યા પછી સિસ્ટમ ડિઝાઇન મુજબ APU જાતે બંધ થઈ ગયું હતું.

આપણ વાંચો: સબ સલામતઃ એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની તપાસ પૂરી કરી…

એર ઇન્ડિયાએ એમ પણ કહ્યું કે આગને કારણે ફ્લાઇટને થોડું નુકસાન થયું છે. જોકે, મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે. વધુ તપાસ માટે વિમાનને રોકી દેવામાં આવ્યું છે અને રેગ્યુલેટરને આગ વિશે જાણ કરવામાં આવી છે.

જાણો APU શું છે?

તમને જણાવી દઈએ કે ફ્લાઇટમાં APU એટલે કે ઓક્ઝિલરી પાવર યુનિટ એક નાનું ગેસ ટર્બાઇન એન્જિન છે, જે સામાન્ય રીતે વિમાનની ટેઈલ (પૂંછડી)માં બેસાડવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય મુખ્ય એન્જિન અને બાહ્ય પાવર સ્ત્રોતોનો ઉપયોગ કર્યા વિના ઉડાન માટે વીજળી અને અન્ય જરૂરી પાવર પૂરો પાડવાનું છે. ઉડાન દરમિયાન APU કમ્પ્રેસ્ડ હવા ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ મુખ્ય એન્જિન શરૂ કરવા માટે થાય છે. વિમાનના આ ભાગમાં એટલે કે APUમાં આગ લાગી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button