બેંગલુરુમાં બસમાં લાગી ભીષણ આગ: ડ્રાઈવરની સમયસૂચકતાથી 60 પ્રવાસીના જીવ બચ્યાં

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના એચએએલ (HAL) મેઈન ગેટ નજીક આજે સવારે ચાલતી બસમાં અચાનક આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે બસ થોડી જ વારમાં ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી. આજે સવારે 5:10 વાગ્યે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. સદનસીબે બસના ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતાને કારણે 60થી વધુ પ્રવાસીના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.
સૂત્રોની જાણકારી પ્રમાણે આ દુર્ઘટના બેંગલુરુ મહાનગર પરિવહન નિગમ (BMTC)ની બસ (નંબર KA57 F 4568)માં સર્જાઈ હતી, જે મેજેસ્ટિકથી કાડુગોડી તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 60થી વધુ મુસાફરો સવાર હતા. રસ્તામાં અચાનક એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈ ડ્રાઈવર અને કંડક્ટરે તરત જ સમજદારી વાપરી અને તમામ મુસાફરોને બસમાંથી ઉતારી દીધા. જોકે, થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતાના કારણે બસ સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના બાદ, એચએલના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી. આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને બીએમટીસીએ આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.
આપણ વાંચો: ATM ગયા વગર પણ UPI દ્વારા રોકડ ઉપાડી શકાશે! ટૂંક સમયમાં શરુ થશે આ સર્વિસ