ટીએમસીનાં સાંસદ મહુઆ મોઈત્રા સામે નોંધાઈ એફઆઈઆર, જાણો કારણ?
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)નાં સાંસદ મહુઆ મોઇત્રા ફરી એક વાર મોટા વિવાદમાં સપટાઈ શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)નાં અધ્યક્ષ રેખા શર્મા વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈને મોટો વિવાદ થયો છે. હવે રેખા શર્માની ફરિયાદ પર મહુઆ મોઇત્રાની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્પેશિયલ સેલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 હેઠળ કેસ નોંધ્યો છે.
અલબત્ત, આ કલમ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 79 (મહિલાઓની ગરિમાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા અન્ય કોઈ કૃત્ય) લગાવવામાં આવી છે. દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પરથી ટ્વિટ સંબંધિત માહિતી પણ માંગી રહી છે.
દેશમાં પહેલી જુલાઈથી નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. હવે આઈપીસીનું સ્થાન ભારતીય ન્યાયિક સંહિતાએ લીધું છે. મહુઆ મોઇત્રા વિરુદ્ધ નવા કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો :Cyberattacks: એક હજાર કરોડના password leak થવાના અહેવાલથી ખળભળાટ
શું છે મામલો. તો વિગતે જાણીએ કે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા હાથરસ નાસભાગના સ્થળે પહોંચ્યા હતા અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ રેખા શર્માની પાછળ ચાલતા હાથમાં છત્રી પકડેલી હોય છે. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારે એક યુઝરે કમેન્ટ કરીને પૂછ્યું કે શું રેખા શર્મા પોતાની છત્રી ઉપાડી શકતા નથી? તે જ યુઝરની કમેન્ટના જવાબમાં મહુઆ મોઇત્રાએ અભદ્ર ટિપ્પણી કરી હતી. એના સંબંધમાં રાષ્ટ્રીય મહિલા પંચે મહુઆ મોઇત્રાની આ ટિપ્પણી પર કાર્યવાહીની માંગ કરી છે. પંચની આ માંગને પગલે મહુઆ મોઇત્રા સામે કેસ નોંધવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગને જવાબ આપતા મહુઆ મોઇત્રાએ ટ્વિટર પર લખ્યું હતું કે દિલ્હી પોલીસે આ આદેશો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. જો તમને આગામી 3 દિવસમાં ધરપકડ માટે મારી જરૂર પડી તો હું પશ્ચિમ બંગાળના નદિયા વિસ્તારમાં હોઈશ. આ સાથે તેમણે કહ્યું હતું કે હા, હું મારી પોતાની છત્રી પોતે પકડી શકું છું. જોકે, મહિલા પંચે મહુઆ મોઈત્રા પહેલી ટિપ્પણીને અભદ્ર અને અપમાનજનક ગણાવી છે તેમ જ તેની સાથે કહ્યું હતું કે આ મહિલાના સન્માનના અધિકારનું ઉલ્લંઘન છે. મોઇત્રાની ટિપ્પણીની સખત નિંદા કરવામાં આવી છે. મોઇત્રા સામે એફઆઈઆરની માંગણી કરતા તેમણે કહ્યું કે પંચને 3 દિવસમાં વિગતવાર એક્શન રિપોર્ટ આપવામાં આવે.