AI ડીપફેક વિવાદ: વડાપ્રધાનના દિવંગત માતાના વિડીયો પર કોંગ્રેસ વિરુદ્ધ FIR દાખલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિવંગત માતાને AI વીડિયો જનરેક કરવાની ઘટના બની હતી. જેને લઈ વિવિધ જગ્યા પર વિરોધ જોવા મળ્યો હતો. જેને લઈ દિલ્હી પોલીસે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ભાજપની ફરિયાદના આધારે નોર્થ એવન્યૂ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR દાખલ કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસ અને તેના IT સેલને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. ભાજપે આ વીડિયોને “અપમાનજનક” ગણાવીને દેશની માતાઓ અને બહેનોનું અપમાન ગણાવ્યું છે.
10 સપ્ટેમ્બરે બિહાર કોંગ્રેસે તેમના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર એક ડીપફેક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની દિવંગત માતા જેવા દેખાતા લોકો દર્શાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ, જેમાં ધારા 318(2), 336(3), 336(4), 340(2), 352, 356(2) અને 61(2)નો સમાવેશ થાય છે, તેના આધારે FIR નોંધી છે. આ FIR નંબર 0050 હેઠળ નોંધાઈ છે. ભાજપે આ વીડિયોને વડાપ્રધાનની છબીને નુકસાન પહોંચાડવાનો અને મહિલાઓના સન્માનનું અપમાન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાનો એઆઈ વીડિયો: મહારાષ્ટ્ર ભાજપે કૉંગ્રેસની નિંદા સાથે વિરોધ પ્રદર્શનો કર્યા
ભાજપ દિલ્હીના ચૂંટણી પ્રકોષ્ઠના સંયોજક સંકેત ગુપ્તાએ 12 સપ્ટેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર AI-જનરેટેડ વીડિયો શેર કર્યો, જેમાં વડાપ્રધાન અને તેમની દિવંગત માતાની છબીને ખરડવામાં આવી. આ કૃત્યને ભાજપે દેશની સર્વોચ્ચ સંવૈધાનિક સંસ્થાનું અપમાન, મહિલાઓની ગરિમા પર આઘાત અને લોકશાહી સંસ્થાઓ વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું છે. આ ઉપરાંત, આ વીડિયો સમાજમાં નફરત અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હોવાનું પણ જણાવાયું.
ફરિયાદમાં માંગ કરવામાં આવી છે કે આ મામલે તાત્કાલિક FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવે. સાથે જ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વીડિયો હટાવવા અને તેની ટેકનિકલ વિગતો જેવી કે IP લોગની તપાસ કરવાની વિનંતી કરવામાં આવી છે. ભાજપે ભારતીય ન્યાય સંહિતા, 2023ની ધારા 356 (માનહાનિ), ધારા 336 (ઇલેક્ટ્રોનિક રેકોર્ડની જાલસાજી), ધારા 351 (શાંતિ ભંગ કરવાની સામગ્રીનો પ્રચાર) અને માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000ની ધારા 66D હેઠળ કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદમાં વડાપ્રધાન અને તેમની માતાની ગરિમાને બચાવવા તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.