હેલ્થ વર્કર્સ સામે હિંસાની આટલા કલાકોમાં FIR દાખલ કરવી પડશે, સરકારે આપી કડક સૂચના

નવી દિલ્હી: કોલકાતાની આરજી કર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં રેસિડન્ટ મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યા(Kolkata rape and murder case)ના મામલે દેશભરમાં વ્યાપક વિરોધ થઇ રહ્યો છે. એવામ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશની દરેક તબીબી સંસ્થાને કડક સૂચના આપી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે ફરજ પરના કોઈપણ આરોગ્ય કર્મચારી સામે હિંસાની ઘટનાના 6 કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવાની જવાબદારી સંસ્થાઓના વડાઓની રહેશે.
આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. અતુલ ગોયલ દ્વારા AIIMS અને દેશભરની તમામ મેડિકલ કોલેજોના પ્રિન્સિપાલો સહિત કેન્દ્ર સરકારની હોસ્પિટલોના ડિરેક્ટરો અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ્સ માટે એક પરિપત્ર મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Kolkata Rape-Murder case: આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ મામલે 19ની ધરપકડ, પુરાવાના નાશ અંગે CBIની તપાસ
પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે “તાજેતરમાં એવું જાણમાં આવ્યું છે કે સરકારી હોસ્પિટલોમાં ડોકટરો અને અન્ય આરોગ્ય કર્મચારીઓ સામે હિંસાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સંખ્યાબંધ આરોગ્ય કાર્યકરોએ તેમની ફરજ દરમિયાન શારીરિક હિંસાનો સામનો કરવો પડ્યો હતો. ઘણા કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા હતા અથવા મૌખિક હુમલાનો સામનો કરવો પડ્યો હતો. આમાંની મોટાભાગની હિંસા દર્દીઓ અથવા દર્દીઓના એટેન્ડર્સ દ્વારા કરવામાં આવે છે.”
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ડ્યુટી પર હોય ત્યારે કોઈપણ તબીબી કર્મચારીઓ સામે કોઈ હિંસા થાય તો, તે ઘટનાના મહત્તમ 6 કલાકની અંદર સંસ્થાકીય એફઆઈઆર નોંધાવવાની જવાબદારી સંસ્થાના વડાની રહેશે.”
કલકત્તા હાઈકોર્ટે અરજીઓ પર સુનાવણી કરતી વખતે બંગાળ સરકાર પર કડક વલણ અપનાવ્યું હતું, જેમાં પીડતાના માતા-પિતા દ્વારા હોસ્પિટલ પ્રશાસન દ્વારા બેદકારીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
રાજ્ય અને પોલીસે તેમના તરફથી બેદરકારીના કોઈપણ દાવાને નકારી કાઢ્યા છે.