સંભલ હિંસાઃ સ્થાનિક તુર્કો વિરુદ્ધ ગોળીબાર અને પથ્થરમારો કરવા બદલ એફઆઇઆર દાખલ
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં ૨૪ નવેમ્બરની હિંસાના સંબંધમાં તુર્કી સમુદાયના કેટલાક સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસને મુરાદાબાદથી સંભલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.
સંભલ કોતવાલીના સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) અનુજ કુમાર તોમરના જણાવ્યા અનુસાર મુરાદાબાદ પકબારા પોલીસ સ્ટેશનમાં શરીફના પુત્ર નસીમે કેસ નોંધાવ્યો હતો અને તેને બુધવારે સંભલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. નસીમે આરોપ લગાવ્યો કે ૨૪ નવેમ્બરે કોર્ટના આદેશ પર એક સર્વે દરમિયાન કેટલાક બદમાશો શાહી જામા મસ્જિદમાં એકઠા થયા અને તુર્કી સમુદાયના લોકોએ ગોળીબાર અને પથ્થરમારો કર્યો હતો.
આપણ વાંચો: સંભલ બાદ જૌનપુરની Atala Masjid પર વિવાદ, સોમવારે કોર્ટમાં સુનાવણી
એસએચઓએ જણાવ્યું કે સંભલના કોટ ગરવીના રહેવાસી નસીમનો ભત્રીજો વસીમ તેના ઘરની બહાર ઊભો હતો ત્યારે તેને ગોળી વાગી હતી. તેને મુરાદાબાદની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની જોગવાઇઓ હેઠળ તુર્કી સમુદાયના અજાણ્યા સ્થાનિક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. અધિક પોલીસ અધિક્ષક શ્રીશ ચંદ્રાએ જણાવ્યું કે આ કેસ શરૂઆતમાં મુરાદાબાદમાં ઝીરો એફઆઇઆર તરીકે નોંધવામાં આવ્યો હતો અને હવે તેને વધુ તપાસ માટે ઔપચારિક રીતે સંભલ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.