વિવાદોમાં ઘેરાયા ભાજપના બે સાંસદ: નિશિકાંત દુબે અને મનોજ તિવારી સામે FIR, જાણો શું છે મામલો…

નવી દિલ્હીઃ દેવઘરના વિશ્વ પ્રસિદ્ધ બાબા બૈદ્યનાથ ધામ મંદિરમાં નિયમોનું ઉલ્લંઘન કરવા અને બળજબરીપૂર્વક ગર્ભગૃહમાં પ્રવેશ કરવાના આરોપમાં ગોડ્ડાના ભાજપ સાંસદ ડો. નિશિકાંત દુબે અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી સહિત અનેક લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી..
પાંડા ધર્મ રક્ષિણી સભાના પૂર્વ મહામંત્રી કાર્તિક નાથ ઠાકુરની લેખિત ફરિયાદ પર બાબા મંદિર પોલીસ સ્ટેશનમાં આ મામલો નોંધવામાં આવ્યો હતો.

શું છે મામલો
2 ઓગસ્ટની સાંજે સાંસદ દુબે પોતાના સમર્થકો સાથે બળજબરીપૂર્વક મંદિરના બહાર નીકળવાના દરવાજાથી અંદર પ્રવેશ્યા હતા. આ દરમિયાન ફરજ પર હાજર પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી પણ થઈ હતી. એફઆઈઆરમાં સાંસદ દુબે ઉપરાંત કનિષ્કાંત દુબે, સદરી દુબે અને અભયાનંદ ઝાના નામ પણ સામેલ છે. આ તમામ પર ધાર્મિક પરંપરાઓનું ઉલ્લંઘન, અડચણ ઊભી કરવી અને સરકારી કામમાં અવરોધ જેવી કલમો લગાવવામાં આવી હતી.
સાંસદ દુબેએ શું કહ્યું
સાંસદ નિશિકાંત દુબેએ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, તેમણે પૂજા કરી હોવાથી આ મામલો નોંધવામાં આવ્યો છે. મારા પર પહેલાથી 51 કેસ નોંધાયેલા છે. શનિવારે હું દેવઘર એરપોર્ટથી સીધો પોલીસ સ્ટેશન હાજર થઈ જઈશ.પ્રદેશ ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ આ કાર્યવાહીને રાજકારણથી પ્રેરિત ગણાવી અને ઝારખંડ પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે, કેટલાક અધિકારીઓ ષડયંત્ર રચી રહ્યા છે. વર્દી કાયમી હોતી નથી, કર્મ અને નિયત જ સાચી ઓળખ હોય છે તે તેમણે યાદ રાખવું જોઈએ. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને તમામ પક્ષોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રની મહિલા સાંસદોએ ઘેર્યા નિશિકાંત દુબેનેઃ મરાઠી વિવાદ સંસદભવનમાં પણ પહોંચ્યો