વિકાસ દિવ્યકીર્તિની સંસ્થાને ભ્રામક જાહેરખબર આપવા બદલ 5 લાખનો દંડ, ક્યો ખોટો દાવો કરેલો ? | મુંબઈ સમાચાર
નેશનલ

વિકાસ દિવ્યકીર્તિની સંસ્થાને ભ્રામક જાહેરખબર આપવા બદલ 5 લાખનો દંડ, ક્યો ખોટો દાવો કરેલો ?

શિક્ષણના ક્ષેત્રમાં પારદર્શિતા અને પ્રમાણિકતા એ એક મહત્વનો મુદ્દો છે, અને તેનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ પર હવે સરકારની ચાંપતી નજર છે. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) એ પ્રખ્યાત કોચિંગ સંસ્થા દૃષ્ટિ આઈએએસ પર રૂપિયા 5 લાખનો દંડ ફટકાર્યો છે. આ દંડ યૂપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2022ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાના આરોપ પર લગાવવામાં આવ્યો છે. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ખોટા દાવાઓની પ્રથા પર ફરી એકવાર પ્રકાશ ફેંક્યો છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓના વિશ્વાસ સાથે ચેડાં કરે છે.

CCPAના નિવેદન મુજબ, દૃષ્ટિ આઈએએસે ત્રણ વર્ષ પહેલા એક જાહેરાત પ્રકાશિત કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 216થી વધુ વિદ્યાર્થીઓએ યૂપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં સફળતા મેળવી હતી. આ જાહેરાતમાં સફળ વિદ્યાર્થીઓના નામ અને તસવીરો પણ દર્શાવવામાં આવી હતી. જોકે, CCPAની તપાસમાં જાણવા મળ્યું કે આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી હતી, કારણ કે તેમાં એ નથી જણાવ્યું કે આ વિદ્યાર્થીઓએ કયો કોર્સ કર્યો હતો અને તેનો સમયગાળો શું હતો. આવી અધૂરી માહિતીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા.

CCPAની તપાસમાં સામે આવ્યું કે દૃષ્ટિ આઈએએસ દ્વારા દાવો કરાયેલા 216 સફળ વિદ્યાર્થીઓમાંથી 162એ માત્ર મફત ઈન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામ (IGP) લીધો હતો. આનો અર્થ એ થયો કે આ વિદ્યાર્થીઓએ સંસ્થાના મુખ્ય કોર્સને બદલે ટૂંકા ગાળાનો પ્રોગ્રામ જ લીધો હતો, પરંતુ જાહેરાતમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે આખી સફળતા દૃષ્ટિ આઈએએસના કોર્સનું પરિણામ છે. આ પ્રકારની ગેરમાર્ગે દોરનારી જાહેરાત ભારતીય ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019નું ઉલ્લંઘન કરે છે, જે સંસ્થાઓને પારદર્શક માહિતી આપવા માટે ફરજિયાત કરે છે.

આ અગાઉ પણ દૃષ્ટિ આઈએએસ પર આવો આરોપ લાગ્યો હોય. ગત વર્ષે પણ CCPAએ સંસ્થા સામે સમાન ભ્રામક જાહેરાતનો આરોપ લગાવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 150થી વધુ વિદ્યાર્થીઓએ યૂપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2021માં સફળતા મેળવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે 161 સફળ વિદ્યાર્થીઓમાંથી 148એ માત્ર ઈન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામ, સાતે મેન્ટરશિપ પ્રોગ્રામ અને ચારે જીએસ ફાઉન્ડેશન પ્રોગ્રામ લીધો હતો. તે સમયે સંસ્થા પર ₹3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ભ્રામક જાહેરાતો દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

CCPAએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી મહત્વની માહિતી છુપાવી શકે નહીં. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ 2019 હેઠળ, તેમને સંપૂર્ણ પારદર્શિતા સાથે માહિતી મેળવવાનો અને જેતે સંસ્થાએ આપવાનો અધિકાર છે. CCPAએ અત્યાર સુધી 54 કોચિંગ સંસ્થાઓને ભ્રામક જાહેરાતો સામે નોટિસ જારી કરી છે, જે દર્શાવે છે કે સરકાર આવી પ્રથાઓ સામે કડક પગલાં લઈ રહી છે. આ ઘટના શિક્ષણ સંસ્થાઓને પોતાની જાહેરાતોમાં સચ્ચાઈ અને પારદર્શિતા જાળવવાની ચેતવણી આપે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button