બિહારમાં કાલે અંતિમ તબક્કાનું મતદાન; 3.7 કરોડ મતદારોના હાથમાં 1302 ઉમેદવારોનું ભાવિ અને દિગ્ગજોની આબરૂ

પટણા: આવતીકાલે 11 નવેમ્બરના રોજ બિહારમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ચૂંટણી પ્રચારના પડઘા શાંત થઈ ગયા છે. ઉમેદવારો ઘરે ઘરે જઈને મતદારોને મળી રહ્યા છે. આ બીજા અને અંતિમ તબક્કાના મતદાનમાં,NDAના ૧૨૨ અને મહાગઠબંધનના ૧૨૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. એનડીએમાં ભાજપના ૫૩, જેડીયુના ૪૪, એલજેપી-રામવિલાસના ૧૫, રાષ્ટ્રીય લોક મોરચાના ચાર અને હમ (HAM)ના છ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે મહાગઠબંધન તરફથી આરજેડીના ૭૦, કોંગ્રેસના ૩૭, વીઆઇપીના આઠ, સીપીઆઇના ચાર, સીપીઆઇ એમએલના છ અને સીપીઆઇના એક ઉમેદવારના ભાગ્યનો ફેંસલો બીજા તબક્કાના મતદાનમાં થવાનો છે. આ સિવાય, જનસુરાજ પાર્ટીના પણ ૧૨૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં બીજા તબક્કાના મતદાનમમાં કુલ 1302 ઉમેદવાર મેદાને ઉતર્યાં છે. 1,302 ઉમેદવારમાં 1165 પુરૂષ ઉમેદવાર અને 136 મહિલા ઉમેદવાર છે. જ્યારે એક ઉમેદવાદ થર્ડ જેન્ડર છે. બીજા ચરણના મતદાનમાં 3 કરોડ અને 70 લાખ મતદારો આગામી સરકારનું ભાવી નક્કી કરશે. મતદારોમાં 1.9 કરોડ પુરૂષ મતદાર અને 1.4 કરોડ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે 4.4 લાખ દિવ્યાંગ મતદાર, 63373 સર્વિસ મતદાર, 943 થર્ડ જેન્ડર મતદાર અને 43 એનઆરઆઈ મતદારો છે. આ મતદારો 11 નવેમ્બરે યોજાતા બીજા ચરણના મતદાનમાં મતદાન કરવાના છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજ નેતાઓની આબરૂ પણ દાવમાં લાગી છે. આ તબક્કામાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી, પ્રધાનો વિજેન્દ્ર યાદવ, નીતિશ મિશ્રા, પ્રેમ કુમાર, કૃષ્ણનંદન પાસવાન, પ્રમોદ કુમાર, શીલા મંડલ, લેશી સિંહ, અને જયંત રાજ જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. આ ઉપરાંત, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામ, લિજપા-રામવિલાસના પ્રદેશ અધ્યક્ષ રાજુ તિવારી, આરજેડીના વરિષ્ઠ નેતા ઉદય નારાયણ ચૌધરી, રાલોમો (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પત્ની સ્નેહલતા, કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાન, અને ભાકપા માલે (CPI ML)ના ધારાસભ્ય દળના નેતા મહબૂબ આલમ જેવા મહત્ત્વના નેતાઓનું ભાવિ પણ આ તબક્કાના મતદાન પર નિર્ભર છે.
બીજા તબક્કાના મતદાન પૂર્વે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે પહેલા તબક્કાના મતદાન બાદ એનડીએમાં નિરાશાનો માહોલ છે. આ વખતે બિહારમાં પરિવર્તન નિશ્ચિત છે. બિહારના લોકો બંધારણ વિરુદ્ધ કામ કરી રહેલા બેશરમ અને વિવેકહીન શાસક નેતાઓને કડક પાઠ ભણાવવાના તેમના સંકલ્પમાં એક થયા છે. પ્રજાસત્તાકની માતા બિહારમાં તેમના મત ચોરીને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. લોકો કોઈપણ રીતે, દરેક રીતે તેમના મત ચોરી અને લોકશાહીની લૂંટને રોકવા માટે તૈયાર છે.
આપણ વાંચો: બિહારમાં બીજા તબક્કાના મતદાનની સાથે આ સાત રાજ્યોમાં પણ યોજાશે પેટા ચૂંટણી



