
નિલેશ વાઘેલા
મુંબઇ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા થઇ રહેલી વેચવાલી પાછળનું કારણે પ્રોફિટ બુકિંગ હોવાનું નાણાં પ્રધાને જણાવ્યું છે. નાણાં સચિવે એવા સંકેત આપ્યા હતા કે શેરબજાર બાહ્ય પરિબળોને કારણે વોલેટાઇલ છે અને આ અસ્થિરતા કામચલાઉ છે.
નોંધવું રહ્યું કે વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીના બે મહિનાથી પણ ઓછા સમયમાં શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય ફંડોએ એક લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ પાછું ખેંચી લીધું છે અને એકધારા પછડાટને કારણે રોકાણકારો ચિંતિત થયા છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદ દરમિયાન શેરબજારને લગતા સવાલના જવાબમાં સીતારામને કહ્યું કે ભારતનું અર્થતંત્ર સાબૂત છે અને પ્રોફિટ બુકિંગ કરીને રોકાણકાર સારું વળતર મેળવી રહ્યાં છે.
આપણ વાંચો: ફોન બેંકિંગે જ દાટ વાળ્યો છે… સદનમાં નાણાં પ્રધાને કેમ આવું કહ્યું?
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા વેચાણ અંગેના પ્રશ્ર્નના જવાબમાં, સીતારમણે કહ્યું કે ભારતમાં એવું વાતાવરણ છે જ્યાં રોકાણ સારું વળતર આપી રહ્યું છે. વિદેશી ફંડો સામાન્ય રીતે વોલેટાલિટીના સમયમાં પોતાના દેશમાં મૂડી લઇ જતાં હોય છે અને એ થઇ રહ્યું છે.
નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ ઉમેર્યું કે વૈશ્ર્વિક અસ્થિરતાના સમયમાં, એફઆઇઆઇ તેમના મૂળ દેશમાં પાછા ફરવાનું વલણ ધરાવે છે, જે મોટાભાગે અમરિકા છે. વિદેશી ફંડો એક ઇમર્જિંગ માર્કેટમાંથી બીજા ઇમર્જિંગ માર્કેટમાં નથી જઇ રહ્યાં. તેમણે કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું મજબૂત અર્થતંત્ર છે અને આગળ પણ વિકાસયાત્રા ચાલુ રાખશે.