
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત સરકારનું સ્પષ્ટ પણે માનવું છે કે હુમલો પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓએ કર્યો હતો અને પાકિસ્તાની સેના આતંકવાદીઓને મદદ કઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આતંકવાદ સામે કડક કાર્યવાહીને ચેતવણી આપી છે. ભારતીય સેના કોઈ પણ સમયે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી શકે છે, એવામાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે (Khawaja Asif) ઉલટા ભારત પર આરોપ લગાવીને આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરી છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક બ્રિટનની એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ભારત સાથે ‘ઓલ આઉટ વોર’ (સંપૂર્ણ યુદ્ધ)ની શક્યતા વ્યક્ત કરી. ખ્વાજા આસિફે કહ્યું કે પરમાણુ શસ્ત્રો ધરાવતા બે રાષ્ટ્રો વચ્ચે ઓલ આઉટ વોર(All out war)ની શક્યતા વિશ્વ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. ખ્વાજા આસિફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હસ્તક્ષેપ કરવા માંગ કરી.
ભારતની કાર્યવાહીનો જવાબ આપવા ચીમકી:
ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે પહેલગામ હુમલા પાછળ પાકિસ્તાની સંડોવણીના પુરાવા મળ્યા છે. ખ્વાજા આસિફે આ દાવાને નકારી કાઢ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ વિવાદનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ આવી શકે છે.
ખ્વાજા આસિફે ભારત દ્વારા કરવામાં આવતી કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપવાની પણ વાત કરી. તેમણે કહ્યું, “અમે ભારત દ્વારા કરવામાં આવતી કોઈ પણ કાર્યવાહીને સમજીશું અને યોગ્ય જવાબ આપીશું. મને એવું લાગે છે. બે પરમાણુ શક્તિઓ વચ્ચેનો સંઘર્ષ હંમેશા ચિંતાજનક હોય છે. જો સ્થતિ બગડે, તો આ યુદ્ધના દુ:ખદ પરિણામો આવી શકે છે.”
પાકિસ્તાન ટ્રમ્પના શરણે?
જ્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું કે શું યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કટોકટીના ઉકેલમાં મદદ કરવી જોઈએ, ત્યારે આસિફે કહ્યું, “હાં બિલકુલ તેઓ વિશ્વ શક્તિનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ વિશ્વભરમાં વિવિધ વિવાદો પર વિવિધ પક્ષો સાથે વાત કરી રહ્યા છે. આ પણ એક તણાવપૂર્ણ પરિસ્થિતિ છે, જ્યાં બે પરમાણુ શક્તિઓ એકબીજા સામે છે. મને લાગે છે કે આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાની જરૂર છે અને જો વૈશ્વિક સત્તાઓ હસ્તક્ષેપ કરી શકે, તો તે સારું રહેશે.’
અમેરિકાએ ભારતને ટેકો આપ્યો:
અમેરિકાએ આતંકવાદ સામે કાર્યવાહી માટે ભારતને ટેકો આપ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું છે કે જેમ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વિદેશ સચિવ રુબિયોએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે, અમેરિકા ભારતની સાથે ઉભું છે અને આતંકવાદના દરેક કૃત્યની કડક નિંદા કરે છે.
આ પણ વાંચો… પહેલગામ હુમલાની સર્વપક્ષીય બેઠકમાં સરકારે માની સુરક્ષા ચૂક, કહ્યું તપાસ કરીશું