મસાલાની 11 બ્રાન્ડને તજની પ્રોડક્ટ પાછી ખેંચવાનો આદેશ, FDAએ કેમ લીધો આ નિર્ણય?

નવી દિલ્હી: તજ એક લોકપ્રિય મસાલો છે, જેનો ઉપયોગ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓમાં થાય છે. તેના ઔષધીય ગુણો અને શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તત્વો માટે તે જાણીતો છે. તે બેકિંગ, પીણાં અને કરી જેવી વાનગીઓમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. જેથી તેનું વેચાણ પણ મોટાપાયે થાય છે. પરંતુ તાજેતરમાં તજનું વેચાણ કરતી બ્રાન્ડ્સને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે.
તજની પ્રોડક્ટ પાછી ખેંચો
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(FDA) દ્વારા બજારમાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જેવી ઘણી બાબતો પર દેખરેખ રાખવામાં આવે છે. FDAને 11 મસાલા બ્રાન્ડ્સના તજ ઉત્પાદનોમાં 2.03 થી 7.68 પાર્ટ્સ પર મિલિયન (ppm) જેટલું ઊંચું સીસાનું સ્તર મળી આવ્યું છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેથી FDA દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
FDAએ તજના ઉત્પાદન સાથે સંકળાયેલી 11 કંપનીઓને સ્વેચ્છાએ પોતાના ઉત્પાદનો પાછા ખેંચવા જણાવ્યું છે. પાછી ખેંચવામાં આવેલી બ્રાન્ડ્સમાં જીવા ઓર્ગેનિક, સુપર બ્રાન્ડ અને અસલી જેવી જાણીતી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. FDAએ દ્વારા ગ્રાહકોને પણ તેમના ઘરોમાં તપાસ કરીને તજના ઉત્પાદનોનો ત્યાગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સીસાના કારણે સ્વાસ્થ્યને થતી સમસ્યા
ઉલ્લેખનીય છે કે, જો કોઈને સીસાના સંપર્કમાં આવે તો મોટાભાગના કેસોમાં તેના કોઈ તાત્કાલિક લક્ષણો દેખાતા નથી. બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં તેનાથી નર્વસ સિસ્ટમ પર અસર થાય છે, જેના પરિણામે શીખવાની ક્ષમતામાં ઘટાડો, વર્તણૂકમાં મુશ્કેલીઓ અને ઓછો IQ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જો કોઈ સીસાના સંપર્કમાં આવ્યાની આશંકા હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો…નવરાત્રિના નવ દિવસોનો દેવીઓ જ નહીં પણ આયુર્વેદની ઔષધીઓ સાથે પણ છે કનેક્શન…