ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસ: પોલીસે NRI કારચાલકની ધરપકડ કરી, ગુનો કબૂલ્યો!

જલંધર: સોમવારે પંજાબમાં બનેલા એક હીટ એન્ડ રન બનાવમાં વિશ્વના સૌથી વૃદ્ધ મેરાથોન રનર ફૌજા સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતાં, ત્યાર બાદ જલંધરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ (Fauja Singh died in hit and run) થયું. ‘ટર્બન્ડ ટોર્નેડો’ તરીકે જાણીતા ફૌજા સિંહ 114 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવીને મૃત્યુ પામ્યા, લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે જલંધર પોલીસ (Jalandhar Police) આ મામલે તપાસ કરી રહી છે, જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કાર વડે ફૌજા સિંહને ટક્કર મારનાર શખ્સની ધરપકડ કરી છે.
એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ આરોપીની ઓળખ 30 વર્ષીય NRI અમૃતપાલ સિંહ ઢીલ્લોન તરીકે થઈ છે, જે કરતારપુરના મૂળ દાસુપુર ગામનો છે અને હાલ પરિવાર સાથે કેનેડામાં રહે છે. તે એક અઠવાડિયા પહેલા વતન આવ્યો હતો. ગઈ કાલે ધરપકડ બાદ પોલીસ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરશે. પોલીસે આરોપીની ટોયાટા ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે. પૂછપરછ દરમિયાન અમૃતપાલે પોતાનો ગુનો કબૂલી લીધો છે.
સીસીટીવી ફૂટેજે ગુનો ઉકેલ્યો:
જલંધર પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આ કેસ ઉકેલ્યો છે. ફૌજા સિંહ ગામથી નેશનલ હાઈવે તરફ એકલા ફરવા નીકળ્યા હતાં. આ દરમિયાન એક પૂરપાટ વેગે જઈ રહેલી ફોર્ચ્યુનર કારે તેમને ટક્કર મારી હતી, ત્યાર બાદ ચાલક ભાગી છૂટ્યો હતો. ફૌજા સિંહને તાત્કાલિક જાલંધરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પણ તેમને બચાવી ન શકાયા.
બનાવ બાદ આદમપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી. આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજ તપાસતા ફોર્ચ્યુનર કારની ઓળખ થઈ હતી. અહેવાલ મુજબ પોલીસને ઘટનાસ્થળેથી હેડલાઇટના કાચ ટુકડા પણ મળી આવ્યા હતા.
નંબર પ્લેટ પરથી જાણવા મળ્યું કે આ કાર કપૂરથલાના અથૌલી ગામના રહેવાસી વરિન્દર સિંહના નામ પર રજીસ્ટર થયેલી છે. વરિન્દર સિંહની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કેનેડામાં રહેતા NRI અમૃતપાલ સિંહ ઢીલ્લોને કાર ખરીદી હતી.
ભોગ બનનાર ફૌજ સિંહ હતાં એ ખબર ન હતી:
ગઈ કાલે રાત્રે પોલીસે અમૃતપાલની ધરપકડ કરી અને તેની કાર જપ્ત કરી. આરોપીએ જણાવ્યું કે તેને ખબર નહોતી કે અકસ્માતનો ભોગ બનનાર ફૌજા સિંહ છે, તેને મીડિયા અહેવાલમાંથી જાણવા મળ્યું. તેણે ગુનો કબૂલી લીધો છે. તેણે કહ્યું તે પોતાનો મોબાઈલ ફોન વેચીને ઘરે પરત ફરી રહ્યો હતો.
આ પણ વાંચો…વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજા સિંહનાં લાંબા આયુષ્ય અને ફિટનેસનું રહસ્ય શું હતું?