સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબીનું નિધન, 96 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સુપ્રીમ કોર્ટના પહેલા મહિલા ન્યાયાધીશ ફાતિમા બીબીનું 96 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમનો 30 એપ્રિલ 1927ના રોજ કેરળના પતનમતિટ્ટામાં જન્મ થયો હતો. તેઓ સુપ્રીમ કોર્ટમાં 6 ઓક્ટોબર 1969થી લઇને 29 એપ્રિલ 1992 સુધી જજ રહ્યા હતા. જસ્ટિસ એમ ફાતિમા બીબી દેશના ઉચ્ચ ન્યાયતંત્રમાં પ્રથમ મુસ્લિમ મહિલા અને એશિયાઈ દેશમાં સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ મહિલા પણ હતા.
ફાતિમાના પિતા મીરા સાહિબે તેમને કાયદાનો અભ્યાસ કરવા તિરુવનંતપુરમમાં આવેલી સરકારી લો કોલેજમાં મોકલ્યા હતા. તેમણે વર્ષ 1950માં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગોલ્ડ મેડલ સાથે ઉચ્ચ પરિણામ મેળવ્યું હતું. આ સાથે જ તેઓ બાર કાઉન્સિલમાં ગોલ્ડ મેડલ મેળવનારા પ્રથમ મહિલા બન્યા હતા.
તેમણે 14 નવેમ્બર 1950ના રોજ કેરળથી વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1968માં તેમને સબઓર્ડિનેટ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમને વર્ષ 1972માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, વર્ષ 1974માં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ, વર્ષ 1980માં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના ન્યાયિક સભ્ય અને 8 એપ્રિલ 1983ના રોજ તેમને કેરળ હાઈકોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા. તેમણે 6 ઓક્ટોબર 1989ના રોજ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામીને ઈતિહાસ રચ્યો હતો. ચાર વર્ષ સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપ્યા બાદ જસ્ટિસ ફાતિમા બીબી 24 એપ્રિલ 1992ના રોજ નિવૃત્ત થયા હતા.
આ પછી તેઓ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના સભ્ય અને પછી તમિલનાડુના રાજ્યપાલ પણ રહ્યા હતા. રાજીવ ગાંધી હત્યા કેસમાં ચાર દોષિત કેદીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી દયાની અરજીઓ ફગાવી દેવાયા બાદ તેમણે તમિલનાડુના રાજ્યપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું.