નેશનલ

પિતાના રૂપમાં હેવાન! ત્રણ ફૂલ જેવા બાળકોને નિર્દયતાથી રહેંસી નાખ્યા…

તમિલનાડુના તંજાવુર જિલ્લાથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવીને રાખી દીધો છે. એક પિતાએ પોતાના ત્રણ નાના બાળકોની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપી પિતાએ પોલીસ સ્ટેશનમાં જ જઈને ગુનાની કબૂલાત કરી લીધી. આ ઘટનાએ લોકોના મનમાં ગુસ્સો અને દુઃખની લાગણી જગાવી. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના તંજાવુર જિલ્લાના પટ્ટુકોટ્ટાઈ તાલુકાના ગોપાલસમુદ્રમ ગામમાં બની હતી. આરોપી એસ. વિનોદ કુમાર સ્થાનિક મદુક્કુરમાં એક હોટેલમાં વેઈટર તરીકે કામ કરે છે. તેની પત્ની નીત્યા (35) અને તેમનાં ત્રણ બાળકો – ઓવિયા (12), કીર્તિ (8) અને ઈશ્વરન (5) – સાથે રહેતો હતો. ઓવિયા ધોરણ સાતમાં, કીર્તિ ધોરણ ત્રીજામાં અને ઈશ્વરન કિન્ડરગાર્ટનમાં ભરતા હતા. આ નાના બાળકોની આવી નિર્દય હત્યાએ ગામમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે.

હત્યાનું કારણ: પારિવારિક કટોકટી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિનોદની પત્ની નીત્યાને સોશિયલ મીડિયા દ્વારા મન્નારગુડીના એક વ્યક્તિ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેરમાં હતી. લગભગ છ મહિના પહેલા તેણે પોતાના પતિ અને બાળકોને છોડીને તે વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી. આ ઘટનાથી વિનોદ ગંભીર માનસિક આઘાતમાં હતો.

તેણે તેની પત્નીને પાછી આવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. આ નિરાશા અને નશાની લતના કારણે તેણે આ ભયંકર પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણાવા મળ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિનોદ પોતાના બાળકો માટે 10 ઓક્ટોબરની સાંજે મીઠાઈ લઈને ઘરે આવ્યો હતો. જ્યારે બાળકો આનંદથી મીઠાઈ ખાતા હતા, ત્યારે તેણે નિર્દયતાપૂર્વક તેમનું ગળું કાપી નાખ્યું, જેના કારણે ત્રણેય બાળકોનું ઘટનાસ્થળે જ મોત થયું.

આ પછી, તે સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાના ગુનાની કબૂલાત કરી. પોલીસે તાત્કાલિક તેના ઘરે પહોંચીને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા અને આરોપીની પૂછપરછ શરૂ કરી.

પોલીસે આ ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક તપાસ શરૂ કરી છે. આરોપીને નશાની આદત હતી અને તેની પત્નીના છૂટાછેડાને આ ગુનાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં આઘાત અને ગુસ્સો ફેલાવ્યો છે, અને સમાજમાં નશાની આદત અને પારિવારિક વિવાદોની અસરો પર ચર્ચા શરૂ થઈ છે. આ ઘટના એક ચેતવણી છે કે માનસિક સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધોની સમસ્યાઓને સમયસર ઉકેલવાની જરૂર છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button