રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભયંકર માર્ગ અકસ્માત; 6 લોકોના મોત, 2 બાળકો સારવાર હેઠળ
સવાઈ માધોપુર : રાજસ્થાનના સવાઈ માધોપુર (Sawai Madhopur) જિલ્લામાં રવિવારે વહેલી સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Road Accident) છ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં, બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયો હતો. અકસ્માતની માહિતી પ્રાપ્ત થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તેમજ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને સરકારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સવાઈમાધોપુરના બૌનલી વિસ્તારમાં એક્સપ્રેસ વે પર આજે સવારે અજાણ્યા વાહનની ટક્કરનાં લીધે કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હોવાનો અંદાજ છે. આ પરિવાર રણથંભોર ગણેશજીના દર્શન કરવા માટે સીકરથી સવાઈ માધોપુર આવ્યો હતો,જેનો બનાસ પુલિયા પાસે કારનો અકસ્માત થયો હતો.
મૃતકોનાં નામ :
મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. અકસ્માતમાં અનિતા મનીષ શર્મા, સંતોષ કૈલાશ શર્મા, કૈલાશ રામ અવતાર શર્મા, પૂનમ સતીશ શર્મા, મનીષ રામાવતાર શર્મા અને સતીશ શર્માનું મોત થયા હતા.
માર્ગ અકસ્માતમાં ઘાયલ 6 વર્ષની દિપાલી શર્મા અને 10 વર્ષીય મનીષ શર્માના પુત્ર મનન શર્માને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ બંનેને જયપુર રીફર કરાયા હતા. હાલ બંને ઘાયલ બાળકો જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા લોકોના મૃતદેહ ખરાબ રીતે ફસાઈ ચુક્યા હતા. આવી સ્થિતિમાં પોલીસને પણ મૃતદેહો બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અકસ્માતનાં ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દુર્ઘટનાનું દ્રશ્ય જોઈને સૌ કોઈના હૈયાફાટ રૂદન થઈ ગયા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ ASP દિનેશ યાદવ અને ડેપ્યુટી અંગદ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બૌલી પોલીસ સ્ટેશને પરિવારને અકસ્માતની જાણ કરી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચશે ત્યારબાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે અજાણ્યા વાહનને શોધવાની કામગીરી આદરી છે.