છત્તીસગઢના બેમેતરામાં ભયંકર માર્ગ અકસ્માત; ૯ના મોત, ૨૨થી વધુ ઘાયલ
રાયપુર : છત્તીસગઢના બેમેતરા વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોતની માહિતી મળી રહી છે જ્યારે ૨૨થિ વધુ લોકો ઘાયલ હોવાના સમાચાર પણ છે. બોલેરો અને પીકઅપ વાહનોનાં ટક્કરથી આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત રાત્રે 10 વાગ્યાની આસપાસ થયો હતો.
લોકો પરથરા ગામથી તીરૈયા છઠ્ઠીનાં કાર્યક્રમમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતા સમયે બોલેરો અન્ય માલવાહક વાહનથી ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘણા લોકોનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘાયલ લોકોને બેમેતરા જીલ્લા હોસ્પિટલ અને સિંગર સ્વાસ્થ્ય કેંદ્ર ખાતે તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા. જેમાના ૪ ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક રાયપુર ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતા જ મોડી રાત્રે બેમેતરાનાં કલેકટર રણવીર શર્મા તથા એસપી રામકૃષ્ણ સાહુ હોસ્પિટલ પહોચ્યા હતા. તેમજ સ્થાનિક ધારાસભ્ય દીપેશ સાહુએ પણ હોસ્પીટલ પહોંચી લોકોની સ્થિતિ જાણી હતી.