કારની વિન્ડશિલ્ડ પર FASTag પર નથી લગાવ્યું? ચેતી જજો નહીંતર…

મુંબઈઃ રાજ્ય અને દેશના હાઇવે પર મુસાફરી કરતી વખતે ટોલ બુથ પર લાગતી લાંબી લાઈનોના વિકલ્પ રૂપે ફાસ્ટેગની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ કેટલાક વાહનચાલકો ફાસ્ટેગ (FASTag) જરૂરિયાત મુજબ વિન્ડશિલ્ડ પર લગાવવાના બદલે પોતાની પાસે રાખી મૂકે છે અને જરૂર પડ્યે હાથથી બતાવીને આગળ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ટોલબુથ પરના કેમેરામાં તે બરાબર પકડાતો નથી અને એની સાથે જ સમય પણ વેડફાય છે અને ફાસ્ટેગ શરુ કરવાનો મૂળ હેતુ જ પાર પડતો નથી. સરકાર દ્વારા હવે આ બાબતે સખત વલણ અપનાવીને, આવા ડ્રાઇવરોના ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
નવા નિયમો હેઠળ, જે લોકો હાથમાં પકડીને ફાસ્ટેગ સ્કેન કરાવશે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આવા ફાસ્ટેગની જાણ ટોલ કલેક્શન સેન્ટર પર કરવામાં આવશે. તે પછી, તે ફાસ્ટેગ ફરીથી ઉપયોગમાં લઈ શકાશે નહીં અને વાહનને ટોલ પ્લાઝા પાર કરવામાં મુશ્કેલી ઉભી થશે. ઉપરાંત, હળવા વાહનો માટે નોંધાયેલા ઘણા ફાસ્ટેગ ભારે વાહનો માટે ઉપયોગમાં લેવાય છે. જેથી ટોલ કલેક્શન સેન્ટર પર ઓછી રકમની વસુલાત થાય છે.
આ પણ વાંચો: આ કરવાથી તમે ફાસ્ટેગમાં 7 હજાર રૂપિયા બચાવી શકશો
આવી ગેરરીતિઓને રોકવા માટે એનએચએઆઈએ જણાવ્યું હતું કે જો ‘હાથમાં ટેગ’ અથવા ‘લુઝ ફાસ્ટેગ’ જોવા મળે, તો તેની જાણ કરીને તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. એનએચએઆઈએ આ માટે એક ઈમેઇલ આઈડી બનાવ્યું છે, જ્યાં ટોલ પ્લાઝાના કર્મચારી ફરિયાદ નોંધાવી શકશે. તે પછી તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
એનએચએઆઈ દ્વારા વાહનચાલકોને એવી અપીલ કરવામાં આવી છે કે સુગમ અને ઝડપી વાહન વ્યવહાર માટે નવા નિયમનું પાલન કરવામાં આવે જેથી સમયની બચત સાથે કાર્યવાહીથી બચી શકાય.
આ પણ વાંચો: NHAIએ ફાસ્ટેગને લઈને નિયમોમાં ફેરફાર કર્યો, હવે આવી ભૂલ કરશો તો…..
‘ટેગ ઈન હેન્ડ’ કે ‘લુઝ ફાસ્ટેગ’ શું છે?
ફાસ્ટેગનું સ્ટીકર વિન્ડશિલ્ડ પર ન ચીપકાવતા ડ્રાઈવર તેને હાથમાં પકડીને ટોલ સ્કેનર સામે બતાવે છે. આને ‘ટેગ ઇન હેન્ડ’ અથવા ‘લૂઝ ફાસ્ટેગ’ કહેવામાં આવે છે. કેટલાક ડ્રાઇવરો જાણી જોઈને વાહનના વિન્ડશિલ્ડ પર ફાસ્ટેગ લગાવતા નથી, જેના કારણે ટોલ ચૂકવવામાં મુશ્કેલી પડે છે. પરિણામે વાહનોની લાંબી કતારો લાગે છે. એકની ભૂલને કારણે, બધા વાહનચાલકોને વિલંબનો સામનો કરવો પડે છે.