નેશનલ

પહેલી મેથી FASTag સિસ્ટમ થશે બંધ! શરૂ થઈ રહી છે નવી ટોલ સિસ્ટમ, જાણો વિગતો

નવી દિલ્હી: ટૂંક સમયમાં દેશમાં હાઇવે મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલવા જઈ રહ્યો છે. ટોલ પ્લાઝા પર લાંબી લાઇનો, ફાસ્ટેગની ખામી અને સમયના બગાડથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) તેનો સંકેત આપ્યો હતો કે સરકાર આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરશે, જે ભારતની ટોલ વસૂલાત પ્રણાલીમાં ક્રાંતિ લાવી શકે છે.

શું છે ટોલ સિસ્ટમ?

પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર જે નવી ટોલ સિસ્ટમ વિશે વાત કરી રહી છે તેનું નામ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (Global Navigation Satellite System-GNSS) છે. આ એક GPS-આધારિત સિસ્ટમ છે, જેમાં સેટેલાઇટની મદદથી વાહનનું સ્થાન ટ્રેક કરવામાં આવશે અને તેના આધારે, નિશ્ચિત અંતર અનુસાર ટોલ ફી સીધી બેંક ખાતામાંથી કાપવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે ટોલ પ્લાઝા પર રોકાવાની જરૂર રહેશે નહીં.

FASTagથી કઈ રીતે અલગ છે GNSS?

FASTag સિસ્ટમમાં પણ રોકડ ચુકવણીને બદલે ડિજિટલ પેમેન્ટનો જ સમાવેશ થાય છે, તેમ છતાં ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે વાહનને રોકવું પડે છે. ઘણી વખત, આના પરિણામે લાંબી કતારો લાગે છે. તે જ સમયે GNSS સિસ્ટમ વર્ચ્યુઅલ ટોલ બૂથ દ્વારા કાર્ય કરે છે. આમાં, વાહનના ટ્રેક કરેલા અંતર અનુસાર ટોલની ગણતરી કરવામાં આવે છે અને ચુકવણી સીધી બેંક ખાતામાંથી કરવામાં આવે છે.

આ પણ વાંચો: NHAIએ ફાસ્ટેગને લઈને નિયમોમાં ફેરફાર કર્યો, હવે આવી ભૂલ કરશો તો…..

ફાસ્ટેગ સિસ્ટમમાં આવી રહી છે અનેક સમસ્યા

ભારતમાં 2016માં ફાસ્ટેગ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી, જે RFID ટેકનોલોજી પર આધારિત છે. જોકે, તેના સંચાલનમાં ગયા વર્ષે અસંખ્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો – જેમ કે વધુ પડતો ટ્રાફિક, ટેગ સ્કેનિંગમાં ટેકનિકલ ખામીઓ અને ટેગના દુરુપયોગના કિસ્સાઓ. આ સમસ્યાઓના કારણે, સરકાર હવે એક સ્માર્ટ અને સચોટ ટોલ ટેક્સ કલેક્શન પ્રણાલી તરફ આગળ વધી રહી છે. આથી તેમણે આ નવી સિસ્ટમ રજૂ કરી છે.

પહેલી એપ્રિલ 2025થી લાગુ થવાની હતી

આ સિસ્ટમ 1 એપ્રિલ, 2025 થી લાગુ થવાની હતી, પરંતુ કેટલાક ટેકનિકલ અને વહીવટી કારણોસર તેને મુલતવી રાખવામાં આવી હતી. હવે તે 1 મેથી દેશભરમાં લાગુ થવાની શક્યતા છે. આ નવી સિસ્ટમમાં, દરેક વાહનમાં એક ઓન-બોર્ડ યુનિટ (OBU) ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જે GNSS ટેકનોલોજી દ્વારા વાહનના વાસ્તવિક સમયના સ્થાન અને હાઇવે પર કાપવામાં આવેલા અંતરને ટ્રેક કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button