પીઓકેને ભારતમાં ભેળવવાના રાજનાથ સિંહના દાવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા ‘પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી’

અનંતનાગ: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પરનો પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ આને માટે ભારતે બળપ્રયોગ કરવાની જરૂર પડશે નહીં. તેમના આ નિવેદન પર હવે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી અને તેમની પાસે પરમાણુ બોમ્બ પણ છે.
તેમણે કહ્યું હતું કે, જો સંરક્ષણ પ્રધાન આવું વિચારતા હોય તો તમારી યોજનામાં આગળ વધો. તમને કોણ રોકે છે પણ યાદ રાખો કે તેઓ (પાકિસ્તાન)એ પણ બંગડી પહેરી નથી. તેમની પાસે પરમાણુ બોમ્બ પણ છે અને કમનસીબે તે પરમાણુ બોમ્બ આપણા પર ઝીંકવામાં આવશે.
રાજનાથ સિંહે શું કહ્યું હતું?
પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે જે રીતે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને વિકાસ પાછો ફર્યો છે, એ જોઈને જલ્દી જ પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માગણી ઉઠવાની શરૂઆત થઈ જશે. તેમણે કહ્યું હતું કે હવે પીઓકે લેવા માટે બળનો ઉપયોગ કરવો પડશે નહીં કારણ કે લોકો સામેથી કહેશે કે અમારે ભારતમાં ભળવું છે. આવી માગણી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે પીઓકે ભારતનો પ્રદેશ હતો, છે અને રહેશે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પર બંને નેતાઓએ શું કહ્યું?
રાજનાથ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. જોકે, તેણે કોઈ સમયસીમા આપી ન હતી. કેન્દ્રીય પ્રધાને એમ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં એએફએસપીએની જરૂર રહેશે નહીં. તેમણે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવા જણાવ્યું હતું.
ફારુક અબ્દુલ્લાએ એવી આગાહી કરી હતી કે અમરનાથ યાત્રા બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મુખ્ય સમસ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છે. બંને દેશોએ એકબીજા સાથે વાત કરવી જોઈએ અને મુદ્દાઓને ઉકેલવા જોઈએ.