
નવી દિલ્હી: દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારને આપેલી ડેડ લાઈન આજે પૂરી થઇ રહી છે. ખેડૂતો આજે 6ઠ્ઠી માર્ચે દિલ્હી(Chalo Delhi) જવા માટે તૈયાર છે. આ માટે દિલ્હીની તમામ સરહદોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હીની બોર્ડર પર પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી અને મધ્ય દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલની આગેવાની હેઠળના સંગઠનોએ દેશભરના ખેડૂતોને દિલ્હી પહોંચવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે જે ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા દિલ્હી પહોંચી શકતા નથી, તેમણે ટ્રેન દ્વારા દિલ્હી પહોંચવું જોઈએ.
તેમણે પંજાબ અને હરિયાણાના ખેડૂતો ઉપરાંત દેશભરના ખેડૂતોને અપીલ કરી છે કે MSPની માંગ માટે સરકાર પર દબાણ બનાવે. જોકે સરકારે નવી દિલ્હી વિસ્તારમાં કોઈપણ પ્રકારના પ્રદર્શનની પરવાનગી આપી નથી. જો કોઈ વ્યક્તિ નવી દિલ્હીમાં પ્રદર્શન કરે છે કરશે તો તેને અટકાયતમાં લેવામાં આવશે.
ખેડૂતો ટ્રેન અથવા બસ દ્વારા નાના જૂથોમાં દિલ્હી પહોંચી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પહોંચનારા ખેડૂતોની સંખ્યા ઓછી રહી શકે છે. ખેડૂત નેતાઓ સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલે 3 માર્ચે પંજાબમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂતોને દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી. તેમણે 10 માર્ચે ‘રેલ રોકો’ આંદોલનની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે પહેલાથી ચાલી રહેલા વિરોધ સ્થળ પર પણ ખેડૂતોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
ખેડૂત નેતા પંઢેરે કહ્યું હતું કે દૂર-દૂરના વિસ્તારોમાંથી ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા દિલ્હી પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં તેમણે ટ્રેન દ્વારા પહોંચવું જોઈએ અને MSP માટે સરકાર પર દબાણ કરવું જોઈએ. તેમણે આંદોલનને ઉગ્ર બનાવવાની પણ ચેતવણી આપી હતી.