Farmers Protest: ખેડૂતો દિલ્હી કુચ માટે મક્કમ, શંભુ-ખનૌરી બોર્ડર પોલીસની કિલ્લે બંધી
નવી દિલ્હી: ખેડૂતોનું આંદોલન ફરી વેગ (Farmers Protest) પકડી રહ્યું છે, પંજાબ અને હરિયાણાની સરહદો પર જમા થયેલા ખેડૂતો આજે પગપાળા દિલ્હી કૂચ (Farmers Delhi March) કરી રહ્યા છે. અંબાલાની શંભુ બોર્ડર, જીંદની ખનૌરી અને સોનીપતના સિંઘુ બોર્ડર પાસે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. શંભુ-ખનૌરી બોર્ડર પર લગભગ 10 હજાર ખેડૂતો એકઠા થયા છે, તેમને રોકવા માટે હરિયાણા સરકારે બંને તરફ અર્ધલશ્કરી દળોની 29 કંપનીઓ તૈનાત કરી છે અને બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
અંબાલામાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંબાલા-દિલ્હી બોર્ડર પર બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે. ખેડૂતોએ પ્રશાસનને 101 લોકોની સૂચિ મોકલી છે, અને આટલા લોકોને દિલ્હી તરફ આગળ જવાની મંજૂરી માંગી છે.
બીજી તરફ હરિયાણાના દાતા સિંહ બોર્ડર પર સુરક્ષા દળોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની તરફ ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સરહદો પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે.
Also read: INDI ગઠબંધનમાં પડી રહ્યા છે ગાંઠાઃ રાહુલ ગાંધીનો વિકલ્પ શોધી રહ્યા છે સાથીપક્ષો?
ખેડૂત નેતાનું આહ્વાન:
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, મોરચો શરૂ થયાને 297 દિવસ થઈ ગયા છે અને ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસ 11માં દિવસમાં પ્રવેશી ગયો છે. આજે બપોરે 1 વાગ્યે 101 ખેડૂતો અને મજૂરોનું એક જૂથ શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરશે.
ખેડૂત નેતા પંઢેરે શંભુ બોર્ડર પર એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જૂથ દિલ્હી તરફ કૂચ કરશે. સરકારે શું કરવું એ વિચારવું પડશે. અમે બપોરે 1 વાગ્યે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરીશું. જો સરકાર હજી પણ આપણને કૂચ કરતા અટકાવે છે, તો એ આપણી નૈતિક જીત હશે. તેમણે કહ્યું, કેન્દ્ર અને રાજ્યોમાં તેમના નેતાઓ કહેતા આવ્યા છે કે ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી ન કરે તો કોઈ વાંધો નથી, તેથી જો આપણે પગપાળા દિલ્હી જઈએ તો ખેડૂતોને રોકવાનું કોઈ કારણ નથી.