આવતીકાલે દેશમાં ‘બ્લેક ડે’ મનાવવાની ખેડૂતોની જાહેરાત

ચંદીગઢઃ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) એ ગુરુવારે પંજાબ-હરિયાણા સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતના મૃત્યુ અંગે હત્યાનો કેસ નોંધવાની માંગ કરી હતી અને આવતા અઠવાડિયે ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરી હતી.
સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી હતી કે ખેડૂતના મૃત્યુને ધ્યાનમાં રાખીને શુક્રવારે ‘બ્લેક ડે’ મનાવવામાં આવશે. એસકેએમએ 2020-21માં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું જેને કાયદાઓને બાદમાં રદ કરવામાં આવ્યા હતા.
હરિયાણા પોલીસ અને પંજાબના ખેડૂતો વચ્ચેની અથડામણમાં બુધવારે 21 વર્ષીય સુભકરણ સિંહનું મૃત્યુ થયું હતું. છેલ્લા કેટલાય દિવસથી પંજાબના ખેડૂતો તેમના પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કેન્દ્ર સરકાર પાસે કાયદાકીય ગેરન્ટીની માંગણી કરી રહ્યા છે.
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે ખેડૂતો 26 ફેબ્રુઆરીએ હાઇવે પર ટ્રેક્ટર માર્ચ કાઢશે અને 14 માર્ચે દિલ્હીમાં મહાપંચાયત યોજશે. અહીં એસકેએમના નેતા બલબીર સિંહ રાજેવાલે પત્રકારોને કહ્યું કે ખનૌરી બોર્ડર પર એક ખેડૂતના મૃત્યુના સંબંધમાં હત્યાનો કેસ નોંધવો જોઈએ અને તેના પરિવારને 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે.
તેમણે કહ્યું હતુ કે શુક્રવારે ખેડૂતો પોલીસ કાર્યવાહીની નિંદા કરવા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજના પૂતળા બાળશે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા ‘દિલ્હી ચલો’ કૂચનું નેતૃત્વ કરી રહ્યા છે.