નવી દિલ્હીઃ પંજાબના ખેડૂત સ્વામીનાથન પંચનો રિપોર્ટ લાગુ કરવા, એમએસપીની ગેરન્ટી, લખીમપુર ખીરી મુદ્દે સખત કાર્યવાહી કરવા સહિત અન્ય માગણીઓ મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. શંભુ બોર્ડર પર ખેડૂતોએ ફ્લાયઓવર પરના સેફ્ટી બેરિયર્સ ઉખાડીને ફેંકી દીધા હતા. હરિયાણાના કુરુક્ષેત્રમાં પણ ખેડૂતોએ ટ્રેક્ટર મારફત સિમેન્ટના બેરિકેડને ખસેડી નાખ્યા હતા, જ્યારે જિંદમાં દાતાસિંહ બોર્ડર પાંચ પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હોવાના સમાચાર છે.
પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ પોતાની વિલંબિત માગણીઓને લઈને દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેમાં તેમને રોકવા માટે લાઠીચાર્જની સાથે ટિયર ગેસનો મારો કરવાના અહેવાલ વચ્ચે પણ પ્રદર્શન વકર્યું હતું. ખેડૂતો પોતાની ડિમાન્ડને લઈ દિલ્હીમાં કૂચ કરવાની કોશિશ વચ્ચે કોંગ્રેસે ખેડૂતોની માગણીઓ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું.
બીજી બાજુ કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે શાંતિથી પ્રસ્તાવ મૂકવામાં આવે અને સરકાર પણ ચર્ચા કરવા તૈયાર છે. કેન્દ્ર સરકાર તેમના માટે કામ કરવા તૈયાર છે. કેન્દ્ર સરકારવતીથી ગંભીરતાથી ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ આ મુદ્દે રાજકારણ રમે નહીં, એવું તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરીને લખ્યું હતું કે ખેડૂતોભાઈ માટે આજે મોટો દિવસ છે. કોંગ્રેસે દરેક ખેડૂતોના પાક પર સ્વામીનાથન કમિશન અનુસાર એમએસપીની કાનૂની ગેરન્ટી આપી છે. કોંગ્રેસે વચન આપતા લખ્યું હતું કે પંદર કરોડ ખેડૂત પરિવારની સમૃદ્ધિ જીવન બદલી નાખશે. ખેડૂતોને કોંગ્રેસવતીથી સૌથી પહેલી ગેરન્ટી છે.
દરમિયાન છત્તીસગઢના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કોંગ્રેસે ઐતિહાસિક ગેરન્ટી આપી છે. અમે સ્વામીનાથન કમિટીના રિપોર્ટ અનુસાર ખેડૂતોને એમએસપીનો કાયદો બનાવીને યોગ્ય વળતર આપવાની ગેરન્ટી આપીએ છીએ, તેનાથી પંદર કરોડ ખેડૂત પરિવારોને ફાયદો થશે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગે કહ્યું હતું કે તેઓ ખેડૂતોને કાયદાકીય મદદ પૂરી પાડશે.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના આંદોલન વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ કહ્યું હતુ કે એમએસપી મુદ્દે અમારે જોવાનું રહેશે કે ખેડૂતો કઈ માગ કરી રહ્યા છે અને તેનાથી શું ફાયદો અને નુકસાન થશે. સરકારમાં રહીને નકારાત્મક બાબતને ધ્યાનમાં રાખીને તમામના હિતોનો વિચાર કર્યા પછી નિર્ણય લઈ શકાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને