કમોસમી વરસાદમાં પોતાનો માલ એકઠો કરતા ખેડૂત સાથે વાત કરી કૃષિ પ્રધાનેઃ જૂઓ વીડિયો…

નવી દિલ્હીઃ તમારી મહેનતના પૈસા તમે બેંક કે ઘરમાં સુરક્ષિત રાખ્યા હોય તો પણ તમને તેની ચિંતા રહે છે તો જે ખેડૂત પોતાની વરસભરની મહેનત ખુલ્લા આકાશ નીચે મૂકી દેતો હશે તેની કેવી હાલત હશે. આવા જ એક ખેડૂતનો હૃદયને હચમચાવી નાખતો વીડિયો વાયરલ થયો હતો. મહારાષ્ટ્રના આ ખેડૂતે પોતાની મહેનતથી ઉગાડેલી મગફળી કોઈ જગ્યાએ ખુલ્લી મૂકી હશે અને અચાનક કમોસમી વરસાદને લીધે તે પલળી રહી હતી ત્યારે તે તેને સમેટવા માટે જે મરણિયા પ્રયાસ કરી રહ્યો હતો તેનો વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયો દેશના કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જોતા તેમનું પણ હૃદય દ્રવી ઉઠ્યું હતું.
મહારાષ્ટ્રના ખેડૂત ગૌરવ પવાર સાથે ચૌહાણે ફોન પર વાત કરી હતી અને તેમને આશ્વાસન આપ્યું હતું. તેમણે ગૌરવને કહ્યું કે તમારો વીડિયો મેં જોયો. મને ખૂબ દુઃખ થયું. કૃષિપ્રધાન તરીકે મારી જવાબદારી છે કે હું તમારી સાથે વાત કરું. તમે ચિંતા ન કરશો. મેં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને કૃષિ પ્રધાન સાથે પણ વાત કરી છે. તેઓ સંવેદનશીલ છે. તમે ચિંતા ન કરશો તમને તમારા નુકસાન બદલ વળતર મળી જશે.
શિવરાજ સાથે ગૌરવે વાત કરતા તેમનો આભર માન્યો હતો. જોકે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં ગુજરાત સહિત જ્યાં કમોસમી વરસાદ થયો છે ત્યાં ખેડૂતો ભારે નુકસાની વહોરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ ખાસ વળતરની જાહેરાત થઈ નથી.