ભારતીય ક્રિકેટરો સાથે પરિવારનો કોઈ પણ મેમ્બર દુબઈ નહીં જાય, કારણકે…
![Families not to travel with Team India to Dubai](/wp-content/uploads/2025/02/Families-not-to-travel-with-Team-India-to-Dubai.webp)
નવી દિલ્હીઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે, પરંતુ એમાં ભારતની પ્રથમ મૅચ 20મી ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમાશે અને એ સાથે સાત વર્ષે ફરી રમાનારી આ ટૂર્નામેન્ટમાં ભારતનું મિશન શરૂ થઈ જશે.
જોકે ભારતના ક્રિકેટરો સાથે તેમની પત્ની કે પાર્ટનર કે પરિવારના કોઈ પણ મેમ્બર દુબઈ નહીં જઈ શકે, કારણકે બીસીસીઆઇએ થોડા દિવસ પહેલાં વિદેશ પ્રવાસને લગતો જે નવો નિયમ બનાવ્યો એનો અમલ આ ટૂર્નામેન્ટથી જ શરૂ થવાનો છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની બીજી મૅચ રવિવાર, 23મીએ (બપોરે 2.30 વાગ્યાથી) દુબઈમાં પાકિસ્તાન સામે રમાશે. ભારતની ત્રીજી લીગ મૅચ બીજી માર્ચે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે. ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે, જ્યારે બાકીની આખી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાવાની છે.
આપણ વાંચો: દિવ્યાંગોની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ચૅમ્પિયન, જાણો કેવી રીતે ટ્રોફી હાંસલ કરી…
નવો નિયમ શું કહે છે?
પીટીઆઇના અહેવાલ મુજબ આ સ્પર્ધા એક મહિનાથી પણ ઓછા સમયગાળાની છે. નવમી માર્ચની ફાઇનલ ગણીએ તો પણ એક મહિનો ન થાય એટલે ફક્ત 19 દિવસની આ ટૂંકી સ્પર્ધામાં ભારતીય ક્રિકેટરોને પરિવારજનોમાંથી કોઈને પણ પ્રવાસમાં લઈ જવાની છૂટ નથી. નવા નિયમ પ્રમાણે જો વિદેશ પ્રવાસ 45 કે વધુ દિવસનો હોય તો ખેલાડીઓના પરિવારના મેમ્બર તેમની સાથે વધુમાં વધુ બે અઠવાડિયા તેમની સાથે પ્રવાસમાં રહી શકે.
એક ખેલાડીએ કરી હતી પૂછપરછ
બીસીસીઆઇના એક વરિષ્ઠ સૂત્ર પાસેથી પીટીઆઈને જાણવા મળ્યું હતું કે ટીમ ઇન્ડિયાના એક વરિષ્ઠ ખેલાડીએ પરિવારમાંથી કોઈ મેમ્બર તેની સાથે દુબઈ જઈ શકશે કે કેમ એ વિશે પૂછપરછ કરી તો તેને કહેવામાં આવ્યું કે નવી નીતિ ફૉલો કરવામાં આવશે એટલે કોઈ પણ ફૅમિલી મેમ્બર તેની સાથે પ્રવાસમાં નહીં જોડાઈ શકે.
આપણ વાંચો: યશસ્વીને વન-ડેમાં ડેબ્યૂની તકઃ જાણી લો, ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમમાં બીજું કોણ-કોણ છે…
જો કોઈ અનિવાર્ય કારણસર કોઈ ખેલાડી ફૅમિલી મેમ્બરને પ્રવાસમાં લઈ જવા માગતો હશે તો એ ફૅમિલી મેમ્બરનો બધો ખર્ચ એ ખેલાડીએ ભોગવવો પડશે, કારણકે બીસીસીઆઇ એ ખર્ચ ભરપાઈ નહીં કરે. આવા ખાસ કેસમાં સંબંધિત ખેલાડીએ પરિવારજનને પ્રવાસમાં સાથે લઈ જવા બાબતમાં કૅપ્ટન, કોચ તથા ઑપરેશન્સ વિભાગના જનરલ મૅનેજરની મંજૂરી પણ લેવી પડશે.’
ઇંગ્લૅન્ડના પ્રવાસમાં જોડાઈ શકશે
જોકે આઇપીએલ રમાયા બાદ જૂનમાં ભારતના ટેસ્ટ ખેલાડીઓ પાંચ ટેસ્ટ રમવા ઇંગ્લૅન્ડ જશે ત્યારે તેમની સાથે તેમના ફૅમિલી મેમ્બરો વધુમાં વધુ બે અઠવાડિયા માટે જઈ શકશે.
આપણ વાંચો: પાકિસ્તાન પાસેથી ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ આંચકી લેવાશે?
પર્સનલ સ્ટાફ વિશે પણ નિયંત્રણો લાગુ
અગાઉ એવું બનતું કે ક્રિકેટરો પ્રવાસમાં અંગત સ્ટાફ મેમ્બર્સને લઈ ગયા બાદ પોતે જે હોટેલમાં રહેતા હતા એ જ હોટેલમાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પણ હવે નવો નિયમ લાગુ પડ્યો છે.
હવેથી કોઈ પણ ખેલાડી કે સપોર્ટ સ્ટાફનો મેમ્બર પોતાના પર્સનલ મૅનેજરને, એજન્ટને કે શેફને પોતાની હોટેલમાં નહીં રાખી શકે. તેમના રહેવા માટે અલગ હોટેલમાં વ્યવસ્થા કરવી પડશે. અગાઉ કોચિંગ સ્ટાફના એક મેમ્બરના પર્સનલ સેક્રેટરી હંમેશાં દરેક પ્રવાસમાં ટીમની હોટેલમાં જ જોવા મળતા હતા. હવે એવું નહીં થઈ શકે. તેમને અલગ હોટેલમાં રાખવા પડશે.