દિલ્હીમાં બનાવટી વિઝા અપાવનારી ટોળકીની ગેમ-ઓવર, ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે છે કનેક્શન
નવી દિલ્હીઃ દિલ્હીમાં બનાવટી વિઝા બનાવનાર ટોળકી ઝડપાઈ છે અને આ ટોળકીના માસ્ટર માઈન્ડના સંબંધીનો સીધો સંબંઝ ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધી આ ટોળકી 6 કરોડ રૂપિયા ઠગી ચૂક્યું છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે આ ટોળકીના સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 1000થી વધુ લોકોને વિઝા આપવાના નામે છેતરી ચૂક્યા છે. પોલીસ આ ટોળકીના મૂળિયા ક્યાં ક્યાં સુધી ફેલાયેલાં છે એની તપાસ કરી રહી છે.
આ બનાવટી વિઝા રેકેટના માસ્ટર માઈન્ડ ઈમાન ઉલ હક હોવાનું કહેવાઈ રહ્યું છે અને તે દરભંગાનો રહેવાસી છે. ઈમાન હાલ તો જાકિર નગરમાં રહે છે અને આ ટોળકીની છેતરપિંડીનો ભોગ બનનારા મોટાભાગના લોકો કેરળથી છે. આ ટોળકીના લોકો અલગ અલગ ફ્રન્ટથી ઓફિસ ખોલતા હતા અને એક કોલ સેન્ટર ખોલીને પીડિતોને કોલ કરતાં હતા.
આખી ટોળકી એક પ્લાનિંગ સાથે કામ કરતી હતી અને પીડિત પાસેથી આ લોકો 60,000 રૂપિયા લીધા હતા અને ત્યાર બાદ તેને પેપર વર્ક પૂરું કરવામાં વ્યસ્ત કરી દેતા હતા. એક સેન્ટર પર જ્યારે ઘણા બધા લોકો ફસાઈ જાય તો ત્યાંથી ઓફિસ બંધ કરીને પોબારા ગણી જતા હતા. ત્યાર બાદ તેઓ નવી જગ્યાએ ઓફિસ ખોલતા હતા.
દિલ્હી પોલીસે આ ટોળકી પાસેથી 100 પાસપોર્ટ, લેપટોપ અને બનાવટી આધારકાર્ડ જપ્ત કર્યા છે. આ લોકો બનાવટી આધાકાર્ડ બનાવતા હતા. લોકોને પહેલાં ટુરિસ્ટ પરમીટ આપવાનું અને પછી ત્યાં પહોંચ્યા બાદ વર્ક પરમિટ આપવાની લાલચ આપતા હતા. લોકો પાસેથી તેઓ ફેક એકાઉન્ટ પર ટ્રાન્ઝેક્શન કરાવતા હતા. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મના માધ્યમથી પોતાની કંપનીનો પ્રચાર પણ કરતા હતા.