સસ્તા ફોન ખરીદતા ચેતી જજો! દિલ્હીમાં નકલી સ્માર્ટફોન-IMEI ટેમ્પરિંગ યુનિટનો પર્દાફાશ

દિલ્હી: દેશના ઘણા શહેરોમાં આવેલી મોબાઇલ ફોન બજારોમાં બ્રાન્ડેડ કંપનીના સ્માર્ટ ફોન્સ બિલ વગર ખુબ જ સસ્તા ભાવે મળતા હોય છે, વેપારીઓ આ મોબાઈલ ફોન્સ નવા અને ઓરિજીનલ હોવાનો દાવો કરતા હોય છે. તમે પણ આવો ફોન ખરીદવાનું વિચારતા હો તો ચેતી જજો. દિલ્હીમાં કરોલ બાગમાં નકલી મોબાઇલ ઉત્પાદન અને IMEI ટેમ્પરિંગ યુનિટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ઓપરેશન સાયબરહોક હેઠળ પોલસે મોટુ કૌભાંડ પકડી પાડ્યું છે, જેમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન 1,826 ફોન અને IMEI ટેમ્પરિંગ સોફ્ટવેર સાથેના લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે.
IMEI એ ઉત્પાદિત થતા દરેક મોબાઇલ ફોનને આપવામાં આવતો કે યુનિક 15-અંકનો સીરીયલ નંબર હોય છે. IMEI નંબરથી ડિવાઈસને ઓળખવા અને ટ્રેક કરવામાં મદદ મળે છે. આરોપીઓએ IMEI નંબર સાથે છેડછાડ કરતા હતાં, જેથી ચોરી થયેલા અથવા સાયબર ફ્રોડમાં ઉપયોગ માટે બનાવાયેલા ડિવાઈસને ટ્રેક ના કરી શકાય.
આરોપીઓ રંગે હાથે ઝડપાયા:
દરોડા દરમિયાન પોલીસે ફિનિશ્ડ અને સેમી-ફિનિશ્ડ સ્માર્ટફોન અને કીપેડ મોડેલ્સ જપ્ત કર્યા છે. પોલીસે કેટલાક સોફ્ટવેર, IMEI સ્કેનર્સ, હજારો મોબાઇલ બોડી પાર્ટ્સ અને પ્રિન્ટેડ IMEI લેબલ પણ જપ્ત કર્યા છે.
પોલીસે બાતમીને આધારે દરોડા પડ્યા હતાં, દરોડા દરમિયાન પાંચ લોકો જૂના મોબાઇલ ફોનના પાર્ટ્સને ફીટ કરતા અને લેપટોપમાં IMEI નંબર બદલવાનો સોફ્ટવેર ચલાવતા રંગે હાથે પકડાયા હતાં.
ચિનથી આયાત થતા નવા બોડી પાર્ટ્સ:
આ યુનિટ મોટા દર મહિને સેંકડો નકલી ફોન તૈયાર કરતુ હતું. આરોપીઓએ દિલ્હીના સ્ક્રેપ ડીલરો પાસેથી સસ્તા ભાવે જૂના અને બગડેલા મોબાઇલ અને ચોરેલા ફોન ખરીદતા, જ્યારે નવા બોડી પાર્ટ્સ ચીનથી આયાત કરવામાં આવતા હતાં.
નવા બોડી પાર્ટ્સ અને નવા IMEI સાથે તૈયાર ફોન નવા બોક્સમાં પેક કરીને દિલ્હીના કરોલ બાગ, ગફ્ફર માર્કેટ અને દિલ્હી-એનસીઆરના અન્ય મોબાઇલ ફોન માર્કેટમાં વેચવામાં આવતા હતા.



