રેલવેમાં બનાવટી ભરતીના રેકેટનો પર્દાફાશઃ 300થી વધુ લોકો સાથે છેતરપિંડી કરનારા ગઠિયાની અટક
મુંબઈ: રેલવેમાં નોકરી અપાવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરતાં એક બનાવટી ભરતી રેકેટનો પશ્ચિમ રેલવેની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. બીજી ફેબ્રુઆરીએ પશ્ચિમ રેલવેની એક ટીમે રેલવેમાં નોકરી આપવાના બહાને 300થી વધુ લોકો સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.
રેલવેના અધિકારી દ્વારા આરોપીની પકડવા માટે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું. છેતરપિંડી થયેલા એક વ્યક્તિ પાસેથી આરોપીની માહિતી અને નંબર મેળવીને તેની સાથે સંપર્ક કર્યો હતો ત્યાર બાદ આરોપીને 20,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરીને તેને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન મળવા બોલાવ્યો હતો અને તેના પછી બે ફેબ્રુઆરીએ આરોપીને પકડ્યો હતો.
આ અંગે અધિકારીએ કહ્યું હતું કે આરોપી લોકો પાસે રેલવેમાં નોકરીની લાલચ આપી તેમની પાસેથી નવથી દસ લાખ રૂપિયાની માગણી કરતો હતો. આ આરોપી કોલકત્તામાં એક વ્યક્તિ પાસેથી બોગસ દસ્તાવેજો પણ બનાવતો હતો.
આ આરોપીની ધરપકડ વખતે તેની પાસેથી મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો, જેમાં 180 બ્લોક કરેલા ફોન નંબર પણ મળી આવ્યા હતા. આ નંબર ઠગાઈ થયેલા લોકોના હોઈ શકે છે. આ સાથે આરોપીના ફોનમાંથી 120 ચેટ્સ પણ મળી હતી. આ ચેટ્સમાં તેણે લોકો પાસેથી પૈસાની માગણી કરી હોવાનું સાબિત થયું હતું.
આ ગઠિયો લોકો પાસેથી પૈસા લઈને તેમને રેલવેના ખોટા દસ્તાવેજો આપતો હતો. આ આરોપીની અટકાયત કરીને તેની પાસેથી બનાવટી દસ્તાવેજ, ફોન, ચેટ અને વીડિયો જેવા પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીને જીઆરપી મુંબઈ સેંટ્રલના અધિકારીઓને સપલી તેની સામે આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.