અમદાવાદમાં નકલી દવાની ફેકટરી પકડાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમદાવાદ નજીક બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપી પાડીને ગુજરાત ખોરાક અને ઔષધીય વિભાગની ટીમે આ ફેકટરીમાંથી રૂ. ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ફેકટરીમાંથી અમદાવાદ,વડોદરા, સુરત, ભુજ, ઇડર ખાતે મોક્લાયેલો બનાવટી એન્ટીબાયોટીક દવાઓનો જથ્થો પકડાયો હતો. ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદ નજીક ચાંગોદર ખાતે દિવ્યેશભાઇ જાગાણી નામના ઇસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઇપણ જાતના લાઈસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટીક દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી ટેબલેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી મે. ફાર્માકેમ, અમદાવાદ ખાતેથી મે. પાઇકન ફાર્મા પ્રા. લી. માર્કેટિંગ પેઢીને બનાવટી-સ્પુરિયસ એન્ટીબાયોટીક્સ સહિતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા હતા. તંત્રની ટીમે ઝડપી પાડેલા અને તેઓને ત્યાંથી દવાઓના નમૂના લીધા બાદ એઝીથ્રોમાયસીન, સેફીક્ષીમ ડિસ્પર્સીબલ, એમોક્ષીસીલીન, પોટાશિયમ ક્લેવુલેનેટ, એસીક્લોફેનાક, પેરાસીટામોલ, સેરેસ્યીઓપેપ્ટીડેઝ ઘટક ધરાવતી ટેબલેટના ચકાસણી માટે અલગ અલગ કુલ નવ દવાઓના નમૂના લઈ પૃથક્કરણ વાસ્તે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા બનાવટી ઉત્પાદક ફેક્ટરી મે. ફાર્માકેમમાંથી માસ મીક્ષર, શિફ્ટર, કોમ્પ્રેસન મશીન (કુલ ૨), કોટિંગ મશીન, બ્લીસ્ટર પેકિંગ મશીન (કુલ ૩), એલ્યુ-એલ્યુ પેકિંગ મશીન (કુલ ૨), મશીનરી પાર્ટ, એએચયુ યુનીટ, એલ્યુમિનિયમ ફોઇલ, પીવીસી ફોઇલ, રો મટેરિયલ, કોટિંગ મટેરિયલ તૈયાર ટેબલેટ વગેરે મળીને આશરે રૂ. ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરીને કાયદેસરનું સીલ મારી બંધ કરવામાં આવી હતી.
આ ફેક્ટરીમાંથી રાજ્યનાં વિવિધ શહેરો જેવા કે તારા મેડીકલ એજન્સી ભુજ, આર.એચ.ટી. ડ્રગ હાઉસ, રત્નમણી કોમ્પ્લેક્ષ અમદાવાદ, નાયસર ફાર્મા રત્નમણી કોમ્પ્લેક્ષ અમદાવાદ, મેડીકાસા હેલ્થકેર ઉસ્માનપુરા અમદાવાદ, મા ચંદ્રા ફાર્મા ભેસ્તાન સુરત, મે. નીલકેર લાઇફ સાયન્સ પાંડેસરા સુરત, મે. ડીજેન રેમેડીઝ નારણપુરા અમદાવાદ, નેટ્રોન ફાર્મા વડોદરા, સીએસપી ડિસ્ટ્રિબ્યુટર્સ વડોદરા, જે.ડી. ફાર્મા, ઇડર, કેશવ ડ્રગ એજન્સી ઇડર ખાતે સપ્લાય કરેલ આશરે રૂ. ૫૧ લાખની દવાઓ જપ્ત કરી હતી અને આ તંત્રની ટીમે ગુજરાત રાજ્યની અન્ય વધુ પેઢીઓમાં પણ તપાસનો ધમધમાટ ચાલુ છે.