વૃદ્ધાશ્રમમાં છૂપાયેલો નકલી 'કર્નલ' ઝડપાયો, આર્મીમાં નોકરી અપાવવાના નામે કરતો હતો છેતરપિંડી | મુંબઈ સમાચાર

વૃદ્ધાશ્રમમાં છૂપાયેલો નકલી ‘કર્નલ’ ઝડપાયો, આર્મીમાં નોકરી અપાવવાના નામે કરતો હતો છેતરપિંડી

નવી દિલ્હી: આજના સમયમાં પોતાની ખોટી ઓળખ આપી લોકોને ઠગવાનું ચલણ વધી ગયું છે. નકલી IAS અધિકારી, નકલી પોલીસ, નકલી સરકારી ઓફિસ, નકલી બેંક વગેરે જેવી ગુનાખોરીઓનો ભૂતકાળમાં પર્દાફાશ થઈ ચૂક્યો છે. ત્યારે હવે ભારતીય સેનાની છબીને લાંછન લગાડે એવો કિસ્સો સામે આવ્યો છે. પંજાબમાં એક નકલી ‘કર્નલ’ ઝડપાયો છે.

હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલીનો વતની સિતારામ ગુપ્તાનો પરિવાર પંજાબના મંસા ખાતે સ્થાયી થયો હતો. સિતારામ ગુપ્તાએ ઈતિહાસ અને અર્થશાસ્ત્રમાં એમએની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહનો વિદ્યાર્થી હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ભારતીય સેનામાં તેલ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો. આ કામ દરમિયાન તેને આર્મી ઓફિસરના રેંક સ્ટ્રક્ચર વિશે માહિતી મળી હતી. જેનો તેણે લોકોને ઠગવામાં ઉપયોગ કર્યો હતો.

સિતારામ ગુપ્તા દિલ્હી આવીને પોતાની ઓળખ ‘કર્નલ’ તરીકે આપતો હતો. અહીં તેણે અનેક લોકોને આર્મીમાં નોકરી અપાવવા તથા ફ્લેટ અપાવવાની લાલચ આપીને પૈસા પડાવતો હતો. 2007માં દિલ્હીના વિવેક વિહાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા અનિલ નિગમ કે જેઓ બેંક અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેમને સિતારામે આર્મી વેલફેર હાઉસિંગ ઓર્ગેનાઈઝેશનમાં ફ્લેટ અને દુકાન અપાવવાની લાલચ આપી હતી. જેના માટે તેણે એડવાન્સરૂપે 56, 000 રૂપિયા લીધા હતા.

અનિલ નિગમને સિતારામ ગુપ્તા પર શંકા ગઈ હતી. જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે ધરપકડ બાદ સિતારામ ગુપ્તાને જામીન મળી ગયા હતા. પરંતુ તે ટ્રાયલ દરમિયાન ફરાર થઈ ગયો હતો. જોકે કોર્ટે પહેલા તેની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યો હતો અને 26 એપ્રિલ 2025ના રોજ શાહદરા કોર્ટે તેને ગુનેગાર જાહેર કર્યો હતો.

જોકે ફરાર થયા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી 77 વર્ષીય ગુનેગાર સિતારામ ગુપ્તા પંજાબના પટિયાલા ખાતેના એક વૃદ્ધાશ્રમમાં રહેતો હતો. તેવી બાતમી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને મળી હતી. બાતમીના આધારે દિલ્હી પોલીસે વૃદ્ધાશ્રમ પર દરોડા પાડ્યા હતા અને ઠગ ‘કર્નલ’ સિતારામ ગુપ્તાની ધરપકડ કરી હતી. અનિલ નિગમ સાથે કરેલી છેતરપિંડી ઉપરાંત તેની સામે ઓછામાં ઓછી ત્રણ ફરિયાદ અગાઉ પણ દાખલ થઈ હતી. જેમાં તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.

Back to top button