અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે: બિલકીસનો પરિવાર
નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે બિલકીસ બાનોના દોષિયોની સજા માફીના કેસ અંગેનો નિર્ણય જાહેર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારના આદેશને ફગાવીને દોષીઓની સજા માફીના નિર્ણયને રદ કરી દીધો છે. આ સમયે કોર્ટે કહ્યું હતું કે કોઇ પણ મહિલા સન્માનની હકદાર છે. ત્યાં બીજી બાજુ બિલકીસના પરિવારે કોર્ટના આ નિર્ણયને આવકારતાં તેમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે એમ કહ્યું હતું.
આ નિર્ણય પર બિલકીસ બાનોના પરિવારજનો, સગાવ્હાલા અને પાડોશીઓએ ખૂશી વ્યક્ત કરી હતી. ગોધરાના દેવગઢ બારિયામાં એક ટિવી ચેનલ સાથે વાત કરતાં બિલકીસના પરિવારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે દોષિઓને મૂક્ત કરી દીધા હતાં. અને માટે અમે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં. અમને વિશ્વાસ છે કે ન્યાય મળશે. દેશના ન્યાયતંત્ર પર અમને ભરોસો છે. અમને ન્યાય જરુર મળશે.
પાડોશિઓએ કહ્યું કે, બિલકીસનો પરિવારજનો દસ દિવસ પહેલાં અહીં જ રહેતાં હતાં. શરુઆતથી જ ડરને કારણે તેઓ અલગ અલગ સ્થળોએ જઇને રહેતાં. સલામતીને કારણ તેઓ હાલ ગુજરાતથી બહાર જતાં રહ્યાં છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં બિલકીસ અને તેના પતિ જ કહેશે કે તેઓ મીડિયા સાથે ક્યારે વાત કરશે.
આ મામલે કોંગ્રેસના નેતા રહી ચૂકેલા અહેમદ પટેલના દિકરી મુમતાઝ પટેલે કહ્યું કે, સુપ્રિમ કોર્ટે બિલકીસને ન્યાય આપ્યો છે. અમને વિશ્વાસ હતો કે ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટ બદલી નાંખશે. આજે ખરેખર શુભ સમાચાર મળ્યા છે.
મુમતાઝે કહ્યું કે, બિલકીસનું જીવન ખૂબ મૂશ્કેલ છે. સલામતીના ભાગ રુપે તેને દર મહિને ઘર બદલવું પડે છે. આજે પણ તેના પર ખૂબ પ્રેશર છે. આવો નિર્ણય જરુરી હતો. આ ઘટના માટે કોઇ માફી ના હોવી જોઇએ.