સાવરકરની ફિલ્મની ટીકા કરવા મુદ્દે રાહુલ ગાંધીને ફડણવીસે કરી આ અપીલ

મુંબઈ: અભિનેતા રણદીપ હુડ્ડાની ભારતના સ્વાતંત્ર્ય સૈનિક વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ એક હીટ સાબિત થઈ રહી છે. જોકે આ ફિલ્મને લઈને રાજકીય વિવાદ પણ સર્જાયા છે. કૉંગ્રેસના અનેક નેતાઓ સહિત રાહુલ ગાંધીએ ફિલ્મ અને સાવરકર પર ટીકા કરી હતી. રાહુલ ગાંધીની આ ટીકા પર હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકરને સમજવાની જરૂર છે, ત્યારે જ તેઓ સાવરકર બાબતે તથ્યો વિનાની વાતો કરવાનું બંધ કરશે. હું રાહુલ ગાંધીને અપીલ કરું છું કે પહેલા તેઓ આ ફિલ્મ જુવે અને તેમને આ ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો તેમની માટે હું આખું થિયેટર બુક કરાવીશ. એમ કરવાથી તેઓ સાવરકર બાબતે પાયાવિહોણા નિવેદનો આપવાનું બંધ કરશે.
રાહુલ ગાંધીએ વીર સાવરકર પર અનેક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. 22 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં રણદીપ હુડ્ડાએ વીર સાવરકરની ભૂમિકા ભજવી છે. આ સાથે રણદીપ હુડ્ડાએ ફિલ્મને ડિરેક્ટ કરીને રણદીપે બોલીવુડમાં પોતાનું એક ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે.
શનિવારે મુંબઈમાં ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં અભિનેતા રણદીપ હુડ્ડા, અભિનેત્રી અંકિતા લોખંડે સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા માટે રણદીપ હુડ્ડાના વખાણ પણ કર્યા હતા.