
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની મહાયુતિ સરકાર ફરીથી સત્તામાં આવ્યાને છ મહિના વીતી ગયા છે. આટલા સમયમાં સરકારના ઘણા પ્રધાનો વિવાદોમાં ફસાયા છે. વિવાદાસ્પદ નિવેદનો અને આરોપોને કારણે ટીકાનો ભોગ બની રહ્યા છે, જેને કારણે સરકારની છબિ ખરડાઈ રહી છે. સરકારની યોજનાઓ અને પ્રોજેક્ટ્સ કરતાં પ્રધાનો અને વિધાનસભ્યોના વર્તન અને તેમના વિવાદાસ્પદ નિવેદનો અંગે વધુ ચર્ચા થઈ રહી છે. આ પૃષ્ઠભૂમિમાં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. તે પહેલાં જ ફડણવીસ કેબિનેટમાંથી વિવાદાસ્પદ ચહેરાઓને દૂર કરવા માગે છે. દિલ્હીની તેમની બે દિવસની મુલાકાત દરમિયાન ફડણવીસે પાર્ટીના નેતૃત્વ સાથે આ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે આ અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને ચાર વર્ષમાં દેશમાં શ્રેષ્ઠ બનાવવા પર કામ કરી રહ્યા છીએ: ફડણવીસ
ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે ફડણવીસની દિલ્હી મુલાકાત અંગે મહત્વપૂર્ણ માહિતી આપતાં કહ્યું હતું કે, ‘ફડણવીસ વિવાદાસ્પદ પ્રધાનો સામે કાર્યવાહી કરીને અન્ય પ્રધાનો માટે દાખલો બેસાડવા માગે છે. ફડણવીસને લાગે છે કે વિવાદાસ્પદ પ્રધાનોને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. તેમણે આ બાબતે દિલ્હી જવા પહેલાં જ બંને નાયબ મુખ્ય પ્રધાનો સાથે પણ ચર્ચા કરી જ હતી. અત્યારે એવી જાણકારી મળી રહી છે કે ફડણવીસ આગામી અઠવાડિયાની શરૂઆતમાં બંને નાયબ મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરીને દિલ્હીમાં થયેલી ચર્ચાનો ખુલાસો કરશે.
ભાજપના સિનિયર નેતાએ કાર્યવાહીના સમય અંગે સૂચક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘વિવાદાસ્પદ, બિનકાર્યક્ષમ પ્રધાનો સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા નહીંવત છે કેમ કે નહીંતર, વિરોધ પક્ષને એવું લાગશે કે તેમના દબાણ સામે સત્તાધારી પાર્ટી ઝૂકી રહી છે. તેઓ આ કાર્યવાહીનું શ્રેય લેવાનો પ્રયાસ કરશે, જે ભાજપ અને મહાયુતિ માટે નુકસાનકારક નીવડી શકે છે.’
આ પણ વાંચો: મહારાષ્ટ્રના પ્રોજેક્ટ્સને ગતિ અપાવવા ફડણવીસ વરિષ્ઠ કેન્દ્રીય પ્રધાનોને મળ્યા
શિંદે સેનાના સંજય શિરસાટ, સંજય રાઠોડ, ભરત ગોગાવલે, યોગેશ કદમ કેટલાક દિવસોથી વિવાદમાં છે. તેમની હકાલપટ્ટીની શક્યતા છે. એનસીપીના પ્રધાનો નરહરિ ઝિરવાળ, ભાજપના ગિરીશ મહાજનને પણ પ્રધાનપદ પરથી હટાવી શકાય છે. મહાજન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેઓ ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપના એક અગ્રણી નેતા છે, આમ છતાં તેમની સામે કાર્યવાહી અટળ માનવામાં આવે છે.