ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમી! દિલ્હીમાં તાપમાન 49 ડિગ્રીની નજીક, હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

નવી દિલ્હી: સમગ્ર ભારત હાલ કાળઝાળ ગરમીના પ્રકોપનો સામનો કરી રહ્યું છે. સોમવારે રાજધાની નવી દિલ્હીના મંગશપુર વિસ્તારમાં મહત્તમ તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત નઝફગઢમાં 48.6 ડિગ્રી, નરેલામાં 48.4 ડિગ્રી, પિતમપુરામાં 47.6 ડિગ્રી, પુસામાં 47.2 ડિગ્રી અને ઝફરપુરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે શુક્રવારે દિલ્હીના સફરજંગમાં 45.1 ડિગ્રી, પાલમમાં 46, રિજમાં 46.3 અને આયાનગરમાં 46.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ સુધી દેશવાસીઓને ગરમીમાંથી રાહત નહીં મળે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ત્રણ દિવસ બાદ ઉત્તર પશ્ચિમ ભારત અને દેશના મધ્ય ભાગોમાં આકરી ગરમીથી રાહત મળવાની આશા છે.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં પણ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, જેસલમેરમાં તાપમાન 55 ડિગ્રીને પાર
હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે માહિતી આપી હતી કે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતના લોકો કે જેઓ આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે, તેમને 30 મે પછી આકરી ગરમીથી રાહત મેળવી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું ચાલુ છે અને તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) નજીક આવતાં તેની તીવ્રતા 30 મેથી ધીમે ધીમે ઘટશે.
આ પણ વાંચો: જીવલેણ ગરમી, IMDએ જાહેર કર્યું એલર્ટ: બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી બહાર નહીં નીકળવા અપીલ
આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનમાં, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના ભાગો અને ઉત્તર મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી તીવ્ર લૂ અનુભવા છે.