
નવી દિલ્હીઃ દેશમાં ખાદ્યપદાર્થોની કિંમતો દરરોજ વધી રહી છે. ફુગાવો સતત વધી રહ્યો છે. ભાવ વધારાના કારણે સામાન્ય લોકોની હાલત વધુ કફોડી બનતી જઇ રહી છે. તેમને આવકના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે ડિસેમ્બર 2023માં છૂટક ફુગાવામાં વધારો નોંધવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર વધીને 5.69 ટકા પર પહોંચી ગયો છે. ભાવવધારાને કારણે હવે લોકો પણ પરેશાન થઇ ગયા છે, ત્યારે હવે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારેઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે, 13 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ફુગાવા પર અંકુશ મૂકવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. આ માટે ઘઉં, ડુંગળી, ખાંડ અને સામાન્ય ચોખા જેવા ખાદ્ય ઉત્પાદનોની નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રાખવામાં આવશે, કારણ કે પ્રતિબંધ હટતાંની સાથે જ આ ઉત્પાદનોના છૂટક ભાવમાં વધારો થઇ શકે છે. સરકાર આવા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશમાં ઘઉં અને ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેથી હવે તેની આયાતની જરૂર નથી.
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે ભારત સરકાર ખેડૂતોના હિતોનું ધ્યાન રાખે છે. તેથી જ સરકારી સ્તરે ડુંગળીની પુષ્કળ ખરીદી કરવામાં આવી રહી છે. સરકાર અમદાવાદ, નાસિક, સોલાપુર, હોશંગાબાદ અને પૂણે જેવા સ્થળોએથી 19-23 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી કરી રહી છે. સરકારે થોડા મહિના પહેલા ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
ઘઉંની નિકાસ પર પ્રતિબંધ એક વર્ષથી વધુ સમયથી લાગુ છે. પીયૂષ ગોયલે કહ્યું હતું કે ખાંડની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે, પરંતુ ખાંડની આયાત કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તે જ સમયે, સ્થાનિક સ્તરે ચોખાના ભાવમાં વધારાના મુદ્દાની ટૂંક સમયમાં સમીક્ષા કરવામાં આવશે.