નેશનલ

જાફરાબાદ પાસે દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે ખુલાસો, બોટ પાકિસ્તાની નહિ પણ…..

જાફરાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવમાં યુદ્ધવિરામ બાદ અરબ સાગરમાં જાફરાબાદના દરિયાકાંઠાથી 20 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, હવે આ મામલે ખુલાસો થયો છે. વલસાડના એસપી કરણરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું છે કે આ શંકાસ્પદ બોટ પાકિસ્તાની નહિ પણ ભારતીય જ છે અને તેના પર સવાર ત્રણ લોકો વલસાડના રહેવાસીઓ છે, જેમની હાલ વિગતવાર પૂછપરછ ચાલી રહી છે.

ગઇકાલે જોવા મળી હતી એક શંકાસ્પદ બોટ

ગઇકાલે જાફરાબાદના દરિયાકિનારા નજીક એક શંકાસ્પદ બોટ જોવા મળી હતી. આ અંગે સ્થાનિક માછીમારો દ્વારા વાયરલેસથી જાણ કર્યા બાદ, જાફરાબાદ બોટ એસોસિએશને તુરંત જ ભારતીય તટરક્ષક દળને જાણ કરી હતી. અરબ સાગરમાં શંકાસ્પદ બોટની માહિતી મળતા કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક નિરીક્ષણ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન આ બોટ દમણ તરફ ભાગી રહી હોવાનું અને તેમાં ત્રણ લોકો સવાર હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તે સમયે બોટની ઓળખ થઈ શકી નહોતી.

બોટમાં સવાર ત્રણ લોકો વલસાડના

હવે વલસાડ પોલીસ દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે અને બોટ ભારતીય હોવાનું તેમજ તેના સવાર વલસાડના રહેવાસી હોવાનું જણાવાયું છે. હાલમાં પોલીસ આ લોકોની વિગતવાર પૂછપરછ કરી રહી છે.

સરહદ પર અજંપાભરી શાંતિ

જો કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની પરિસ્થિતિ વચ્ચે સરહદ પર અજંપાભરી સ્થિતિ છે, આ દરમિયાન પાકિસ્તાન સાથે જમીનની સાથે જ દરિયાઇ સીમા ધરાવતા ગુજરાતના સમુદ્રની સ્થિતિ પણ સંવેદનશીલ છે. ગુજરાતનો દરિયાકાંઠો સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય અને આથી બંને દેશ વચ્ચેની તણાવભરી સ્થિતિમાં કોઈપણ શંકાસ્પદ ગતિવિધિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો….જાણો .. પાકિસ્તાનના ડ્રોન -મિસાઈલ હુમલામાં સુરક્ષિત અમૃતસરના સુવર્ણ મંદિરનો રસપ્રદ ઇતિહાસ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button