બિહારમાં નીતીશ કેબિનેટનું વિસ્તરણ, રાજ્યપાલે 21 મંત્રીઓને લેવડાવ્યા શપથ, જાણો કોને મળ્યું મંત્રી પદ
બિહારમાં તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે આખરે નીતીશ કુમારના નેતૃત્વમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે સાંજે 6.30 વાગ્યે રાજભવન ખાતે બિહાર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે નીતિશ કેબિનેટના નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાની હાજરીમાં તમામ નવા મંત્રીઓએ શપથ લીધા હતા.
આ કેબિનેટ વિસ્તરણમાં જનતા દળ-યુનાઈટેડ (JDU)ના 9 ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના 12 ધારાસભ્યો સિવાય )નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મંત્રીમંડળ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં 6 સવર્ણ , 6 દલિત (SC), 4 અત્યંત પછાત (OBC), 4 પછાત (BC), 1 મુસ્લિમનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનિય છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યાને લગભગ 40 દિવસ બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. મંત્રીમંડળના વિસ્તરણના અભાવે દરેક મંત્રીને 9 વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.આવો જાણીએ કે કોનો મંત્રી બનવાની તક મળી છે.
આ ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ
નીતિશ કુમારની કેબિનેટમાં જે ધારાસભ્યોએ મંત્ર પદના શપથ લીધા તેમાં સૌપ્રથમ રેણુ દેવી ત્યાર બાદ મંગલ પાંડે, અશોક ચૌધરી, લેસી સિંહ, મદન સાહની, નીતિશ મિશ્રા, નીતિન નવીને મંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિન નવીન પછી દિલીપ કુમાર જયસ્વાલ, મહેશ્વર હજારી, શીલા મંડલ, સુનીલ કુમાર, જનક રામે મંત્રી તરીકે શપથ લીધા હતા.
જનક રામ પછી હરિ સાહની, કૃષ્ણનંદન પાસવાન, જયંત રાજ, જમા ખાન, રત્નેશ સદા અને કેદાર ગુપ્તાએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. નીતિશ મિશ્રા અને હરિ સાહનીએ મૈથિલીમાં શપથ લીધા જ્યારે બાકીના સભ્યોએ હિન્દીમાં શપથ લીધા હતા.
ઉલ્લેખનિય છે કે 28 જાન્યુઆરીએ મુખ્યમંત્રી નીતિશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડીને રાજીનામું આપી દીધું હતું અને તે જ દિવસે તેમણે NDAના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ભાજપના નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.
આ સિવાય બીજેપી ક્વોટામાંથી એક મંત્રી અને જનતા દળ યુનાઈટેડના ત્રણ અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) અને એકમાત્ર અપક્ષ ધારાસભ્યે મંત્રી તરીકે શપથ લીધા હતા.બિહારમાં લાંબા સમયથી કેબિનેટ વિસ્તરણની અટકળો ચાલી રહી હતી.