લો બોલો! RBIના ભૂતપૂર્વ ગવર્નરને ચિપ મેન્યુફેક્ચરિંગ માટે અબજો ડોલરની સબસિડી આપવી યોગ્ય નથી લાગતી

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચિપ ઉત્પાદન પર ભારતના અબજો ડોલરના ખર્ચની ટીકા કરતા કહ્યું છે કે આ ચિપ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓને સબસિડી આપવા માટે અબજો ડોલરનો ખર્ચ કરવો પડશે જ્યારે બીજી તરફ ચામડા જેવા ઘણા રોજગાર પેદા કરતા ક્ષેત્રો સારી રીતે કામ કરી રહ્યાં નથી અને કોઈ તેમના પર ધ્યાન નથી આપી રહ્યું. “હું એમ નથી કહેતો કે આપણે હવે ચામડા ઉદ્યોગને સબસિડી આપવાની જરૂર છે, પરંતુ આપણે ત્યાં શું ખોટું થઈ રહ્યું છે તે શોધવું જોઈએ અને આપણે તેને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ,” એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે આપણી પાસે નોકરીની સમસ્યા વધારે છે. એવું નથી કે છેલ્લા 10 વર્ષમાં નોકરીની સમસ્યા ઊભી થઈ છે. છેલ્લા કેટલાક દાયકાઓથી તેમાં વધારો થઈ રહ્યો છે.
મંગળવારે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં આયોજિત ‘મેકિંગ ઈન્ડિયા એન એડવાન્સ્ડ ઈકોનોમી બાય 2047: વોટ ઈટ ટેકસ’માં બોલતા રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું કે ભારત લોકશાહીનો લાભ ઉઠાવવા સક્ષમ નથી. ‘મને લાગે છે કે લોકશાહીથી લાભ મેળવવાનો સમય આવી ગયો છે, પરંતુ સમસ્યા એ છે કે આપણે તેનો ફાયદો ઉઠાવી રહ્યા નથી,’ એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આપણે એ વિચારવાની જરૂર છે કે નોકરી, રોજગારમાં વધારો કેવી રીતે કરી શકાય. આપણી પાસે જે લોકોની ક્ષમતાઓ છે તેમાં વધારો કરવાની જરૂર છે.
એક પ્રશ્નના જવાબમાં રાજને કહ્યું હતું કે મોટી સંખ્યામાં ભારતીયો હવે સિંગાપોર અથવા સિલિકોન વેલી જઈ રહ્યા છે કારણ કે તેમને ત્યાંથી બજારો સુધી પહોંચવાનું સરળ લાગે છે. આપણે એ શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ કે એવું શું છે જે તેમને ભારતની અંદર રહેવાને બદલે ભારતની બહાર જવા માટે મજબૂર કરે છે? આપણા દેશમાં ઘણા ઉદ્યોગપતિઓ છે જે વિશ્વને બદલવાની ઈચ્છા ધરાવે છે પરંતુ તેઓ દેશમાં રહીને ખુશ નથી. તેમને વિશ્વસ્તરે વિસ્તરણ કરવું છે.
દેશમાં બેરોજગારીની સંખ્યા વધારે છે, એમ જણાવતા રાજને કહ્યું હતું કે સરકારી નોકરીઓ માટે અરજી કરનારા ઉચ્ચ શિક્ષિત લોકોની સંખ્યા પરથી બેરોજગારીની અસર જોઈ શકાય છે. રેલ્વેમાં પટાવાળાની નોકરી માટે PHD અરજી કરી રહ્યા છે.