અમેરિકાના લ્યુઇસિયાનાના પૂર્વ મેયરની સગીર પર બળાત્કારના આરોપમાં ધરપકડ

ડેરિડરઃ અમેરિકાના લ્યુઇસિયાના શહેરમાં મેયર પદેથી એક અઠવાડિયા પહેલા અચાનક રાજીનામું આપનાર એક મહિલા હવે એક સગીર પર બળાત્કાર કરવાના આરોપોનો સામનો કરી રહી છે.
લ્યુઇસિયાના સ્ટેટ પોલીસે ગુરૂવારે ૪૨ વર્ષીય મિસ્ટી ક્લેન્ટન રોબટર્સની થર્ડ-ડિગ્રી બળાત્કાર અને કિશોરના અપરાધમાં ભાગ ભજવવાના આરોપસર ધરપકડ કરી હતી. મીડિયાના અહેવાલ અનુસાર ૭૫,૦૦૦ અમેરિકન ડોલરનો બોન્ડ ભર્યા બાદ તેને બ્યૂરગાર્ડ પૈરિશ જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. એ તાત્કાલિક જાણી શકાયું નથી કે કોઇ આક્ષેપ નિર્ધારિત કરવામાં આવ્યો હતો કે નહીં.
રાજ્ય પોલીસના પ્રવક્તા રોસ બ્રેનને જણાવ્યું હતું કે કથિત પીડિત કિશોર અને અન્ય એક કિશોરે રાજ્ય પોલીસના સ્પેશિયલ વિક્ટિમ્સ યુનિટને જણાવ્યું હતું કે રોબટર્સે કિશોર સાથે જાતીય સંબંધ બાંધ્યા હતા, જ્યારે રોબટર્સ ડેરિડરના મેયર હતા. રોબટર્સની ધરપકડ તેના અચાનક રાજીનામું આપ્યાના એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં થઇ છે.
આ પણ વાંચો: થાણે કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં ત્રણ જણને નિર્દોષ છોડ્યા
તેણે ૨૭ જુલાઇના રોજ સિટી કાઉન્સિલને રાજીનામું સુપરત કર્યું હતુ. તે પહેલા કાઉન્સિલ ક્લાર્ક ગ્લેના લ્યુથરને એક પત્રમાં જાણ કરી હતી કે તે બે અઠવાડિયાની બિનઆયોજિત રજા લઇ રહી છે અને તેની ગેરહાજરીમાં ફાયર ચીફ કેન હાર્લોને કાર્યકારી મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રોબટર્સના વકીલ એડમ જોનસને કેપીએલસી ટીવીને આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે તેમનો ક્લાયન્ટ નિર્દોષ છે. નોંધનીય છે કે ૨૦૧૮માં રોબટર્સ સ્વતંત્ર રીતે ડેરિડરના મેયરનું પદ સંભાળનાર પ્રથમ મહિલા બની હતી. તેણી ૨૦૨૨માં ફરીથી ચૂંટણી જીત્યા પછી બીજા કાર્યકાળની સેવા આપી રહી હતી.