આજે પણ દેશમાં દર ત્રણ મિનિટે એક બાળ વિવાહ થાય છે

આપણા દેશમાં બાળ લગ્ન કેટલી મોટી સમસ્યા છે તે કોઈનાથી છુપાયેલું નથી. તમામ પ્રયાસો અને પહેલો છતાં દેશમાં હજુ પણ બાળ લગ્નો થઈ રહ્યા છે. “ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન”ના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં દર ત્રણ મિનિટે એક બાલિકાના બળજબરીથી વિવાહ કરવામાં આવે છે. આમાં મોટાભાગના કિસ્સાઓમાં, વરરાજા 21 વર્ષથી વધુ ઉંમરના હતા, પણ છોકરીઓની ઉંમર ઘણી ઓછી હતી.
એક રિપોર્ટ અનુસાર, 2018-2022 માટે NCRB ડેટામાં 3,863 બાળ લગ્ન નોંધાયા છે. પરંતુ, અભ્યાસ દર્શાવે છે કે, વસ્તી ગણતરીના અંદાજ મુજબ, દર વર્ષે 16 લાખ બાળ લગ્નો થાય છે. મતલબ કે દરરોજ 4,000 થી વધુ બાળ લગ્નો થાય છે.
“2022 માં સમગ્ર દેશમાં બાળ લગ્નના કુલ 3,563 કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 181 કેસ સફળતાપૂર્વક ઉકેલાયા હતા, એટલે કે પેન્ડિંગ કેસોનો દર 92 ટકા છે.” વર્તમાન દર પ્રમાણે આ 3,365 કેસનો નિકાલ કરવામાં 19 વર્ષનો સમય લાગશે. એટલે એમ લાગે છે કે બાળલગ્નો રોકવા માટે કાનૂની સહાય કામ લાગે તેમ નથી.
બાળ લગ્નને રોકવાના સંદર્ભમાં, આસામ કેસ સ્ટડી રિપોર્ટ કહે છે કે, 2021-22 અને 2023-24 વચ્ચે રાજ્યના 20 જિલ્લાના 1,132 ગામોમાં બાળ લગ્નમાં 81% ઘટાડો થયો છે. લોકોનું માનવું છે કે બાળ લગ્નોની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ રાજ્યનો કડક કાયદો છે. અહીં એક સમયે મોટા પાયે બાળ લગ્ન પ્રચલિત હતા.
આસામ સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોથી બાળલગ્ન સામે જોરદાર ઝુંબેશ શરૂ કરી છે. આસામ કેબિનેટે થોડા મહિના પહેલા નિર્ણય લીધો હતો કે 14 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ કરવામાં આવશે. આસામમાં આ સંબંધમાં હજારો એફઆઈઆર નોંધવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અભ્યાસમાં એવું પણ સામે આવ્યું છે કે બાળ લગ્ન સામે જાગૃતિનો સંદેશ ફેલાવવામાં નિવારક પગલાં તરીકે કાનૂની કાર્યવાહી સૌથી અસરકારક સાધન છે.
જોકે, આસામ સરકાર જેમ બાળ લગ્ન સામે કડક કાર્યવાહી કરી રહી છે એવી રીતે દેશના અન્ય રાજ્યોમાં પણ બાળલગ્નો સામે ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે.