નવી દિલ્હીઃ જી-20 સમિટનું સમાપન થઇ ગયું છે. વિશ્વના અનેક દેશના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાના વડાઓએ આ સમિટમાં ભાગ લીધો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના મહાનિર્દેશક, Ngozi Okonjo-Iwealaએ પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત G-20માં ભાગ લીધો હતો. સમિટના સમાપન સમયે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. પહેલા તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારબાદ તેમણે તેમના પર લખેલા પુસ્તક ‘Modi@2.0: Dreams Meet Delivery’ની નકલ પર PM મોદીનો ઓટોગ્રાફ પણ લીધો હતો.
G20 સમિટનું આયોજન દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન અને ઈટાલી સહિત અનેક દેશોના રાજ્યોના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓએ ભાગ લીધો હતો. G20નું ભારતમાં સફળતાપૂર્વક આયોજન થયું અને સમગ્ર વિશ્વએ તેની પ્રશંસા કરી.
આ વર્ષે મે મહિનામાં યોજાયેલી જી-7 સમિટ દરમિયાન વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને પણ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઑટોગ્રાફ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાઇડેને પીએમ મોદીને જણાવ્યું હતું કે અમેરિકામાં તમે ઘણા લોકપ્રિય છો. મારે તમારો ઑટોગ્રાફ જોઇએ છે. ત્યાર બાદ જૂન મહિનામાં જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે તેમનો કરિશ્મા જોવા મળ્યો હતો. પીએમ મોદીએ યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરી હતી. તેમના સંબોધન બાદ અમેરિકન નેતાઓ તેમના ઑટોગ્રાફ માટે લાઇનમાં ઊભા રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન અનેક વાર તેમને સ્ટેન્ડિંગ ઓવેશનથી વધાવી લેવામાં આવ્યા હતા અને અનેક વાર તાળીઓના ગડગડાટ થયા હતા.