ભારતનું આ અરપોર્ટ જોઈને જાપાનીઝ પણ થયો મંત્રમુગ્ધઃ સુવિધાઓ સાથે મન શાંત કરતા વાતાવરણનો સંગમ

આજે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે સંસ્થાઓ સાજસજાવટ પાછળ ઘણો ખર્ચ કરે છે. હવેના સમયમાં સુવિધા સાથે સારું વાતાવરણ આપવું એ પ્રાથમિકતા બની ગઈ છે. ખાનગીથી માંડી સરકારી સુધીની તમામ સંસ્થાઓ નવીનીકરણ તરફ વળી છે. પરંતુ તમે ક્યાંય પણ એવું સાંભળ્યું કે એક એરપોર્ટ પાંચ સ્ટાર હોટેલથી પણ સારું હોય?
સામાન્ય રીતે એરપોર્ટનું નામ આવે એટલે સામાન્ય જીવનજરૂરિયાતની વસ્તુઓ કે સુવિધાથી સજ્જ જગ્યા વિચારવામાં આવે છે. પણ ભારતમાં એક એરપોર્ટ એવું છે, કે જો તમે ત્યાં જશો તો ફરી બહાર નીકળવાનું નામ નહીં લો. કેમ કે આ એરપોર્ટ પાંચ સ્ટાર હોટેલ કરતાં સારી સુવિધા મુસાફરોને આપે છે. ભારતના બેંગલુરુ ખાતે આવેલું કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIA) ટર્મિનલ-2 તેની અનોખી સુંદરતા અને નવીન ડિઝાઇનને કારણે વિશ્વભરમાં ચર્ચામાં છે.
ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોના પ્રતિષ્ઠિત Prix Versailles 2023 પુરસ્કારમાં આ એરપોર્ટને ‘વિશ્વનું સૌથી સુંદર એરપોર્ટ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. એક જાપાની વ્લોગરે આ એરપોર્ટની ખૂબસૂરતીનો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એરપોર્ટની લીલોતરી, વાસ્તુકલા અને વિશિષ્ટ વાતાવરણની પ્રશંસા કરવામાં આવી છે, જે ભારતની આધુનિકતાને દર્શાવે છે.
જાપાની વ્લોગર કૈટો (Kaito), જે કન્ટેન્ટ ક્રિએટર તરીકે જાણીતા છે, તેઓએ બેંગલુરુના કેમ્પેગૌડા એરપોર્ટના ટર્મિનલ-2નો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ એરપોર્ટની અંદર ફરતા જોવા મળે છે અને તેની અદભૂત ડિઝાઇન, લીલાછમ બગીચાઓ અને આકર્ષક વાતાવરણથી આશ્ચર્યચકિત થયેલા દેખાય છે. તેમણે કહ્યું, “આ બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, મેં આવું એરપોર્ટ ક્યારેય નથી જોયું. છત પરથી લટકતાં વૃક્ષો અને બગીચાની શોભા અદભૂત છે.”
કૈટોએ એરપોર્ટના અંદરના વાતાવરણને ફાઇવ-સ્ટાર હોટેલ સાથે સરખાવ્યું હતું. તેમણે જણાવ્યું કે એરપોર્ટમાં ચંદનની હળવી સુગંધ ફેલાયેલી છે, જે કર્ણાટકના પ્રસિદ્ધ ચંદન ઉત્પાદનની ઝલક આપે છે. આ સુગંધથી તેઓ ખૂબ પ્રભાવિત થયા અને તેને વૈશ્વિક કોસ્મેટિક બ્રાન્ડ એસોપ (Aesop)ની સુગંધ સાથે સરખાવી. તેમણે એરપોર્ટની અનોખી ડિઝાઇનની પણ નોંધ લીધી, જેમાં છત પરની અનોખી વિશાળ ઘંટડી અને ઇન્ડોર વોટરફોલનો પણ સમાવેશ થાય છે, જે એરપોર્ટને એક અલગ ઓળખ આપે છે.
કૈટો બેંગલુરુ એરપોર્ટની તુલના સિંગાપુરના ચાંગી એરપોર્ટ અને કતારના હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે કરે છે. તેમનું કહેવું છે કે આ એરપોર્ટમાં માત્ર બગીચો નથી, પરંતુ આખું એરપોર્ટ જ એક બગીચા જેવું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એરપોર્ટની હરિયાળી નકલી છે કે અસલી. આ વાતની રિયાલિટી ચેક લેતાં તેમને જાણવા મળ્યું કે અહીં દરેક છોડ અસલી છે. આ એરપોર્ટમાં સ્વચ્છતા અને ડિઝાઇનની ઝીણવટભરી કાળજી રાખવામાં આવી છે.
કૈટોનો આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાથે જ લોકો આ વીડિયોને ખૂબ વખાણી રહ્યા છે. આ વીડિયો પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું, “આ ભારતનું સૌથી સુંદર એરપોર્ટ છે, અમને ગર્વ છે!” અન્ય એકે કહ્યું, “આ એક એવો બગીચો છે જ્યાંથી તમે ઉડાન ભરી શકો!” ત્રીજા યુઝરે લખ્યું, “દક્ષિણ ભારતનું ગૌરવ, અદભૂત સુંદરતા.” આ પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે બેંગલુરુ એરપોર્ટ ભારતની આધુનિકતા અને સુંદરતાનું પ્રતીક બની રહ્યું છે, જે વિશ્વભરમાં દેશની છબીને નવી ઊંચાઈઓ આપી રહ્યું છે.
આપણ વાંચો: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 130 થી વધુ લોકોને બચાવાયા, અનેક લોકો લાપતા…