દેશના સૌથી જૂના પક્ષને પણ નડે છે નાણાંની તંગી ત્યારે ચૂંટણી માટે કરશે આ અખતરો
કૉંગ્રેસ પક્ષની વિચારધારા સાથે કોઈ સહમત હોય કે ન હોય, પરંતુ દેશના ઈતિહાસ, સ્વાતંત્ર્યની ચળવળ સાથે જોડાયેલા પક્ષ પ્રત્યે સૌને માન તો હોય છે. 60 વર્ષ કરતા પણ વધારે સમય માટે દેશનું શાસન ચલાવનારો આ પક્ષ હાલમાં તેમના ઈતિહાસનો સૌથી કપરો સમય કાઢી રહ્યો છે. છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર અને અને ઘણા રાજયોમાંથી કૉંગ્રેસનો જાણે છેદ ઉડી ગયો છે. આને લીધે સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે છે ચૂંટણી ફંડ. હાલમાં તો તમામ પક્ષો પાંચ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત છે, પરંતુ તે બાદ 2024માં ફરી લોકસભાની ચૂંટણીનો જંગ ખેલાશે ત્યારે કૉંગ્રેસને રોકડાની તંગી ન નડે તે માટે તેમણે એક અખતરો કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ટૂંક સમયમાં દેશવ્યાપી ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કરશે. આવતા મહિને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટી આ અભિયાન શરૂ કરશે.
આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટીએ અન્ય 25 પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ ચૂંટણી માટે પાર્ટીના કાર્યકરો સહિત દેશભરના લોકો પાસેથી નાણાં એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. એડવોકેસી ગ્રૂપ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના તાજેતરના અહેવાલ મુજબ, કોંગ્રેસ પાસે રૂ. 805.68 કરોડની સંપત્તિ છે. તેની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી પાસે રૂ. 6,046.81 કરોડ છે.
કોંગ્રેસને કોર્પોરેટ દાનમાં પણ છેલ્લા 7 વર્ષમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે ભાજપ સતત શ્રીમંત બની રહ્યો છે. છેલ્લા 7 વર્ષોમાં, ભાજપ દ્વારા જાહેર કરાયેલ કોર્પોરેટ દાન અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષોના સંયુક્ત દાન કરતાં ઓછામાં ઓછું ત્રણગણું હોવાનું માનવામાં આવે છે. નાણાકીય વર્ષ 2017-18 માં, તે અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષો કરતા 18 ગણા કરતાં વધુ હતું. જોકે, આ કંઈ નવું નથી. સામાન્ય રીતે, કોઈપણ પક્ષ સત્તામાં હોય, તેને હંમેશા વધુ કોર્પોરેટ દાન મળે છે.
જનતા પાસેથી દાન મેળવવાની કોંગ્રેસની ચાલ આમ આદમી પાર્ટીની તર્જ પર હોવાનું જણાય છે, જે ઓનલાઈન દાન માંગે છે. 2019ની લોકસભાની ચૂંટણી માટે પણ પાર્ટીએ તેના કેટલાક કાર્યાલયો ચલાવવા માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. આ સિવાય આમ આદમી પાર્ટીએ ‘લંચ વિથ સીએમ’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં સામાન્ય લોકોને અરવિંદ કેજરીવાલ સાથે લંચ અને ડિનર કરવાનો મોકો મળ્યો. બદલામાં તેમને પાર્ટી ફંડમાં પૈસા આપવાના હતા.
અહીં ખાસ જણાવવાનું કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 545 લોકસભા સીટોમાંથી માત્ર 52 સીટો પર જીત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 303 બેઠકો મેળવીને જંગી જીત નોંધાવી હતી.