ફકીરની ચંપલના આશીર્વાદ પણ નહીં ફળ્યા MPમાં કોંગ્રેસના આ ઉમેદવારને અને…
ભોપાલઃ આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણાની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપ જીતી ગઈ છે. એમાં પણ એમપીમાં તો ભાજપને પ્રચંડ બહુમત મળ્યો હતો. અહીં ભાજપને 160થી વધુ સીટ મળી હતી. દરમિયાન વિધાનસભાની અનેક સીટ ખૂબ જ ચર્ચામાં રહી છે.
આજે આપણે અહીં આવી જ એક સીટ વિશે ચર્ચા કરવાના છીએ. આ સીટ છે મધ્ય પ્રદેશના રતલામ શહેરની. આ સીટ પરથી ચૂંટણી લડી રહેલાં કોંગ્રેસના ઉમેદવાર પારસ સકલેચાની. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ સીટ ચર્ચામાં આવી હતી પારસ સકલેચા સાથે બનેલી ઘટનાને કારણે.
વાત જાણે એમ છે કે પારસ સકલેચાનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તે એક ફકીરના હાથે માર ખાતા જોવા મળ્યા હતા. એમપીમાં ફકીરના હાથે માર ખાનારા કોંગ્રેસના આ ઉમેદવાર આખરે હારી ગયા છે અને તેમને ભાજપના ચૈતન્ય કશ્યપે પરાજિત કર્યા છે. પારસ 60,000 કરતાં વધુ વોટથી હારી ગયા હોવાની માહિતી જાણવા મળી રહી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો એ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. આ વીડિયોમાં પારસ સકલેચા એક ફકીર પાસે પહોંચે છે અને ફકીર એમને તરત જ ચંપલથી મારતો જોવા મળે છે. ફકીર જ્યારે કોંગ્રેસના ઉમેદવારને જોર જોરથી ચંપલ મારવા લાગે છે તો આસપાસ ઉભેલા લોકો તેને રોકી લે છે.
મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારને ચંપલ મારનાર ફકીર એક દરગાહ પર રહે છે. દરગાહ પર રહેતા આ ફકીરને સ્થાનિકો અબ્બાના નામે ઓળખે છે અને એવું કહેવાય છે કે આ અબ્બાને સ્થાનિકો ખૂબ જ માનથી જુએ છે પણ અબ્બાની ચંપલથી મળેલા આશીર્વાદ પણ પારસ સકલેચાના ફળ્યા નહોતા અને તેઓ હારી ગયા હતા.