
રામપુરની એમપી-એમએલએ કોર્ટે પોલીસે એક્ટ્રેસમાંથી નેતા બનેલી Jaya Pradaને 27મી ફેબ્રુઆરીના કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે. સીનિયર પ્રોસેક્યુશન ઓફિસર અમરનાથ તિવારીએ જણાવ્યું હતું કે જયા પ્રદા સામે સાતમી વખત નોન બેલેબલ વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યો હોવા છતાં સોમવારે તે સુનાવણી માટે કોર્ટ પહોંચ્યા નહોતા.
કોર્ટે પોલીસ કમિશનરને સ્પેશિયલ ટીમ બનાવીને જયા પ્રદાને અરેસ્ટ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે એક્ટ્રેસ આચાર સંહિતા ઉલ્લંઘનના બે કેસમાં ફરાર હોવાનું કહેવાઈ રહ્યું છે.
વાત જાણે એમ છે કે 2019માં રામપુરમાં ભાજપની ટિકિટ પરથી જયા પ્રદાએ ચૂંટણી લડી હતી અને ચૂંટણી વખતે એક્ટ્રેસ પર આચાર સંહિતાનો ઉલ્લંઘનના આક્ષેપ મૂકીને બે અલગ અલગ કેસ ફાઈલ કરવામાં આવ્યા હતા. આ કેસ રામપુરની એમપી,એમએલએ કોર્ટમાં ચાલી રહ્યા છે, પણ જયા પ્રદા નિર્ધારિત તારીખો પર સુનાવણી માટે કોર્ટમાં હાજર ન થતાં હોવાને કારણે એમની સામે એક પછી એક નોન બેલેબલ વોરન્ટ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમ છતાં પણ તે કોર્ટ સમક્ષ હાજર થયા નહોતા.
આ પહેલાં પણ કોર્ટે પોલીસ કમિશનરને પત્ર લખીને જયા પ્રદાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ રામપુલ પોલીસ આવું કરી શકી નહીં અને ફરી એક વખત કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ નોન બેલેબલ વોરન્ટ જારી કર્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે હવે કોર્ટે જયા પ્રદા વિરુદ્ધ એનબીડબ્લ્યુ જારી કર્યું છે અને 27મી ફેબ્રુઆરીની તારીખ આપી છે.