
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે મધ્ય પ્રદેશમાં પોતાના પરીક્ષા કેન્દ્રોમાં વીજળી ગુલ થવાની સમસ્યાનો સામનો કરનારા બે ઉમેદવારને નીટ-યુજી 2025ની કાઉન્સેલિંગમાં હાજરી આપવા માટે અસ્થાયી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, ન્યાયાધીશ પી. એસ. નરસિંહા અને જસ્ટિસ એ. એસ. ચંદુરકરની બેન્ચે નવ્યા નાયક અને એસ. સાઈ પ્રિયાની અરજીઓને 25 જૂલાઈના વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી હતી. ઉમેદવારોએ મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના 14 જુલાઈના આદેશને પડકાર્યો છે, જેમાં તેમના માટે ફરીથી પરીક્ષા લેવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: નીટ યુજી 2025ના ઉમેદવારો સાથે છેતરપિંડી: સીબીઆઇએ બે જણની ધરપકડ કરી
અરજદારોના વકીલે કહ્યું હતું કે કાઉન્સેલિંગ માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને તેમણે તેમાં સામેલ થવા માટે એક અસ્થાયી મંજૂરી માંગી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે બંને અરજીઓમાં ફરીથી પરીક્ષા લેવાની વિનંતીને મંજૂરી આપી શકાતી નથી કારણ કે તે પરીક્ષામાં હાજર રહેલા લાખો વિદ્યાર્થીઓને અસર કરશે. બેન્ચે વચગાળાના નિર્દેશો જાહેર કરવાનો ઇનકાર કર્યો અને સુનાવણી મુલતવી રાખી હતી.
નોંધનીય છે કે 16 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ એ ઉમેદવારોની અરજી પર સુનાવણી કરવા માટે સહમત થઈ હતી જેઓ પરીક્ષામાં સામેલ થયા હતા અને કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વિજળી ગુલ થઈ ગઇ હતી.
આ પણ વાંચો: ઓડિશામાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ ઉમેદવારો પાસેથી પૈસા પડાવનારી ગેંગ ઝડપાઈ…
હાઈ કોર્ટની સિંગલ બેન્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને રાજ્યના ઇન્દોર અને ઉજ્જૈનમાં કેટલાક કેન્દ્રો પર વીજળી ગુલ થવાથી પ્રભાવિત ઉમેદવારો માટે નીટ-યુજી-2025 પરીક્ષા ફરીથી લેવાનો નિર્દેશ આપ્યો હતો.
જોકે, હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અરજી પર સિંગલ બેન્ચના આદેશને રદ કર્યો હતો પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે ચેતવણી આપી હતી. તેમણે એક નિષ્ણાત પેનલના રિપોર્ટની નોંધ લીધી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વીજળી ગુલ હોવા છતાં ઉમેદવારોને પરીક્ષા આપવા માટે કુદરતી પ્રકાશ ઉપલબ્ધ હતો.